નેશનલ અને લોકલ કોન્ટેક્ટ ટ્રેસિંગની સાથે કોવિડ-19 ટ્રાન્સમિશનને નિયંત્રિત કરવામાં સહાય માટે NHS કોવિડ-19 એપ્લિકેશનને ઇંગ્લેન્ડ અને વેલ્સમાં લોન્ચ કરવામાં આવ્યુ છે. આ એપ્લિકેશન દ્વારા બ્લૂટૂથનો ઉપયોગ કરીને કોન્ટેક્ટ ટ્રેસિંગ, પોસ્ટકોડ ડિસ્ટ્રિક્ટના આધારે જોખમની ચેતવણીઓ, વેન્યુ પર ક્યૂઆર ચેક-ઇન, સીમ્પટમ્સ ચેકર અને ટેસ્ટ બુકિંગની મદદ અપાશે અને તેને વપરનારની ઓળખ ખાનગી રાખવામાં આવશે અને તેમાં ડેટાની સુરક્ષા પણ શામેલ છે.
બિઝનેસીસે હવે કાયદા દ્વારા સત્તાવાર એનએચએસ ક્યૂઆર કોડ પોસ્ટરો પ્રદર્શિત કરવાના રહેશે જેથી લોકો એપ્લિકેશન દ્વારા તેને સ્કેન કરીને વિવિધ પરિસરમાં ચેક-ઇન કરી શકે.
ઇંગ્લેન્ડ અને વેલ્સના લોકોને NHS COVID-19 એપ્લિકેશનને ડાઉનલોડ કરવા વિનંતી કરવામાં આવી છે જેથી કોરોનાવાયરસના ફેલાવાને અંકુશમાં રાખવામાં મદદ મળે અને કેસની સંખ્યામાં વધારો થતાં પોતાને અને તેમના પ્રિયજનોને બચાવી શકાય. આ એપ્લિકેશન વાયરસના ફેલાવાને ઘટાડવામાં મદદ કરવા માટે પરંપરાગત કોન્ટેક્ટ ટ્રેસિંગની સાથે કામ કરવાનું એક નવું સાધન છે.
તે ગુજરાતી, હિન્દી, પંજાબી, બેંગોલી સહિત ઘણી ભાષાઓમાં તથા 16 અને તેથી વધુ વયના લોકો માટે ઉપલબ્ધ હશે. આ એપ્લિકેશનને ડાઉનલોડ્સ કરવા પ્રોત્સાહન આપવાના મોટા અભિયાનના ભાગ રૂપે, પ્રાઇમટાઇમ ટીવી પર “તમારા પ્રિયજનોને સુરક્ષિત કરો, એપ્લિકેશન મેળવો ”ની સ્ટ્રેપલાઇન સાથે શરૂ થઇ છે.
યુકેના મુખ્ય મોબાઇલ નેટવર્ક ઑપરેટર્સ, વોડાફોન, થ્રી, ઇઇ, ઓ2, સ્કાય અને વર્જિન નેટવર્કે પુષ્ટિ કરી છે કે આ એપ્લિકેશનમાંની બધી પ્રવૃત્તિ માટે ગ્રાહકોના ડેટામાંથી કોઇ કપાત થશે નહિ. આ એપ્લિકેશનનો વપરાશ કરતી અન્ય વ્યક્તિ સાથે તમે કેટલો સમય પસાર કરો છો અને તમારી વચ્ચેનું અંતર કેટલું છે તે માપવા માટે મદદ કરશે. એપ્લિકેશન ઓછી-ઉર્જા વાપરતા બ્લૂટૂથનો ઉપયોગ કરે છે. તેથી જો તમે કોવિડ પોઝીટીવ ટેસ્ટ ધરાવનારની નજીક જશો તો તમને એલર્ટ મળશે, પછી ભલે તમે એકબીજાને ઓળખતા ન હો. જો તમે કોઈ પોઝીટીવ ટેસ્ટ ધરાવનાર સાથે ગાઢ સંપર્કમાં હશો તો એપ્લિકેશન તમને સેલ્ફ આઇસોલેટ થવાની સલાહ આપશે. તે તમને લક્ષણો તપાસવા, જરૂરી હોય તો નિશુલ્ક ટેસ્ટ બુક કરાવવા અને તમારા ટેસ્ટ રીઝલ્ટ મેળવવામાં પણ સક્ષમ કરશે.
આ એપ્લિકેશનને લોકો નહીં પણ વાયરસને ટ્રેક કરે છે અને તેમાં વ્યક્તિનું નામ, સરનામું અથવા જન્મ તારીખ નહિં પણ ફક્ત પોસ્ટકોડનો અડધો ભાગ જ સમાવવામાં આવે છે. વળી સરકાર કે એનએચએસ સાથે કોઈ વ્યક્તિગત ડેટા શેર કરાતો નથી.
હેલ્થ એન્ડ સોશ્યલ કેર સેક્રેટરી મેટ હેનકોકે કહ્યું હતું કે “અમે ટેક કંપનીઓ, આંતરરાષ્ટ્રીય ભાગીદારો અને ગોપનીયતા અને તબીબી નિષ્ણાતો સાથે કામ કર્યું છે. હું દરેકને વિનંતી કરું છું કે લોકો પોતાને અને તેમના પ્રિયજનોને બચાવવા માટે એપ્લિકેશનને ડાઉનલોડ અને ઉપયોગ કરે. અત્યાર સુધીમાં, 160,000 થી વધુ વ્યવસાયો પહેલાથી જ ક્યૂઆર કોડ્સ ડાઉનલોડ કરી ચૂક્યા છે.