ભારતમાં વિદેશી હૂંડિયામણ (નિયમન) ધારા (FCRA) હેઠળ નોંધાયેલા કોઇપણ NGOને કેન્દ્રીય ગૃહ મંત્રાલયના આદેશ સામે વાંધો હોય તો તે પહેલી સપ્ટેમ્બરથી ગૃહ સચિવને ઓનલાઇન રિવિઝન અરજી કરી શકે છે. રજિસ્ટ્રેશનને રદ કરવાના કે સસ્પેન્ડ કરવાના આદેશ સામે પણ હવે સુધારા અરજી કરી શકાશે.
કેન્દ્ર સરકારે છેલ્લાં પાંચ વર્ષમાં કાયદાની વિવિધ જોગવાઈનો ભંગ બદલ આશરે 1,900 એનજીઓના FCRA રજિસ્ટ્રેશન રદ કરેલા છે. ભારતમાં ડિસેમ્બર 2021ના રોજ FCRA રજિસ્ટ્રેશન ધરાવતી સંસ્થાઓની સંખ્યા આશરે 22,762 હતી. હાલના કાયદા મુજબ વિદેશી ફંડ્સ મેળવતા તમામ એનજીઓએ વિદેશી યોગદાન (નિયમન) ધારા (FCRA) હેઠળ રજિસ્ટ્રેશન કરાવવું પડે છે.
સરકારે જાહેરનામામાં જણાવાયું છે કે ફરિયાદી એનજીઓને ગૃહ મંત્રાલયોનો આદેશ મળ્યો તે તારીખથી એક વર્ષની અંદર તે રિવિઝન અરજી કરી શકે છે. આ રિવિઝન અરજીમાં ફરિયાદી એનજીઓએ ફરજિયાત ઉલ્લેખ કરવો પડશે કે તે સુધારો કરવા કેમ માગે છે. અરજી સાથે જો કોઇ સપોર્ટિંગ દસ્તાવેજ હોય તો તે પણ આપવા પડશે. આવા એનજીઓએ સુધારા અરજી માટે કેન્દ્ર સરકારે નિર્ધારિત કરેલા પેમેન્ટ ગેવે મારફત રૂ.3,000ની ફી પણ ભરવી પડશે. અગાઉ આ ફી રૂ.1000 હતી અને તે ડિમાન્ડ ડ્રાફ્ટ કે બેન્કર્સ ચેકથી ભરવી પડતી હતી.
અગાઉ આવી સુધારા અરજી કોરા કાગળ પર કરવી પડતી હતી અને કેન્દ્રીય ગૃહ સચિવને મોકલવી પડતી હતી. હવે માત્ર ઓનલાઇન સુધારા અરજી કરવાની રહેશે. આ પ્રક્રિયામાં પારદર્શકતા લાવવા માટે ઓનલાઇન અરજીનો નિયમ બનાવવામાં આવ્યો છે.
ચાલુ વર્ષના પહેલી સપ્ટેમ્બરથી ફિજિકલ ફોર્મમાં અરજી સ્વીકારવામાં આવશે નહીં. સક્ષમ ઓથોરિટીએ જારી કરેલા આદેશમાં સુધારો કરવા માટેની અરજી કરવા માગતી કોઇ પણ સંસ્થા FCRA વેબ પોર્ટલ પર તેમની અરજીની સ્કેન કોપી ફાઇલ કરી શકે છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે ગૃહ મંત્રાલયને સુધારા અરજીની ફિઝિકલ કોપી કે કોઇ ડોક્યુમેન્ટ મોકલવાની જરૂર નથી.