કેન્દ્ર સરકારે છેલ્લાં ત્રણ વર્ષમાં કાયદાના ઉલ્લંઘન બદલ આશરે 1,800 એનજીઓના વિદેશમાંથી ફંડ મેળવવા સંબંધિત FCRA લાઇસન્સ રદ કર્યા છે. સરકારે 2019, 2020 અને 2021માં આશરે 783 એનજીઓના FCRA લાઇસન્સ રિન્યૂ કરવાની અરજી પણ નકારી કાઢી હતી, એવી રાજ્યકક્ષાના કેન્દ્રીય ગૃહ પ્રધાન નિત્યાનંદ રાયે મંગળાવરે લોકસભામાં માહિતી આપી હતી.
લોકસભામાં લેખિત જવાબમાં તેમણે જણાવ્યું હતું કે અગાઉના ત્રણ વર્ષ (2019, 2020, 2021) દરમિયાન વિદેશી યોગદાન નિયમન ધારા 2010 (FCRA)ની જોગવાઈ હેઠળ આશરે 1,811 એસોસિયેશન્સના રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ રદ કરવામાં આવ્યા હતા.
પ્રધાને જણાવ્યું હતું કે રજિસ્ટ્રેશનને રદ કરવાનો નિર્ણય લેતા પહેલા કારણદર્શક નોટિસ જારી કરીને બિનસરકારી સંગઠનો (એનજીઓ)ને રજૂઆત કરવાની પૂરતી તક આપવામાં આવી હતી. FCRA 2010 હેઠળ જારી કરવામાં આવતા રજિસ્ટ્રેશન સર્ટિફિકેટને રિન્યુ કરવાની અરજીને આ ધારાની જોગવાઈ મુજબ પ્રોસેસ કરવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કેન્દ્રમાં મોદી સરકાર સત્તા પર આવ્યા બાદ વિદેશી ફંડ્સ મેળવવા એનજીઓ સામે કડક વલણ અપનાવવામાં આવ્યું છે. સરકારનો આક્ષેપ છે કે વિદેશમાંથી ફંડ્સ મેળવીને કેટલાંક એનજીઓ ભારત વિરોધી પ્રવૃત્તિઓ આચરી રહ્યાં છે.