ભારતમાં આશરે 6000 એનજીઓના વિદેશી ફંડ માટેના લાઇસન્સ શનિવારે રદ થયા છે. તેનાથી આ એનજીઓ હવે વિદેશી ફંડ નહીં મેળવી શકે. આ એનજીઓએ લાઇસન્સ રિન્યૂ કરવા માટે અરજી કરી ન હતી અથવા તે ગૃહ મંત્રાલયે અરજી માન્ય રાખી ન હતી. વિદેશી સહાય મેળવવા માટે ભારતમાં વિદેશી યોગદાન (નિયમન) ધારો અથવા એફસીઆરએ લાઇસન્સ મેળવવું જરૂરી છે, એમ કેન્દ્રીય ગૃહમંત્રાલયે શનિવારે એક નિવેદનમાં જણાવ્યું હતું. અગાઉ મંત્રાલયે મધર ટેરેસાની મિશનરી ઓફ ચેરિટીના આવા લાઇસન્સને રિન્યૂ કરવાનો ઇનકાર કર્યો હતો અને તેનાથી વિવાદ ઊભો થયો હતો.
એનજીઓના લાઇસન્સ એક્સપાયર થયા છે તેવામાં આઇઆઇટી દિલ્હી, જામિયા મિલિયા ઇસ્લામિયા, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, નેહરૂ મેમોરીયલ મ્યૂઝિયમ અને લાયબ્રેરી સાથે સંકળાયેલા પણ સામેલ છે.
ફોરેન કન્ટ્રીબ્યૂશન રેગ્યૂલેશન એક્ટ સાથે સંકળાયેલી વેબસાઇટ મુજબ જે પણ એનજીઓના લાઇસન્સ રદ કરાયા છે તેમાં ઇંદિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર આર્ટ્સ, ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશન, લાલ બહાદુર શાસ્ત્રી મેમોરિયલ ફાઉન્ડેશન, લેડી શ્રી રામ કોલેજ, દિલ્હી કોલેજ ઓફ એન્જિનિયરિંગ અને ઓક્સફામ ઇન્ડિયાનો પણ સમાવેશ થાય છે.
કોઇ પણ એનજીઓએ વિદેશી ફંડ મેળવવું હોય તો એફસીઆર રજિસ્ટ્રેશન ફરજિયાત છે. દેશભરમાં એફસીઆર રજિસ્ટરેડ એનજીઓની સંખ્યા 22,762 છે. જેની સંખ્યા હવે ઘટીને 16829 પર આવી ગઇ હતી.વિદેશી ફંડ માટેના લાઇસન્સ રદ કરાયા હોય તેમાં મેડિકલ કાઉંસિલ ઓફ ઇન્ડિયા, ઇન્ડિયન ઇસ્લામિક કલ્ચરલ સેન્ટર, ગોદરેજ મેમોરિયલ ટ્રસ્ટ, જેએનયુનું ન્યૂક્લિયર સાઇન્સ સેંટર, ભારતીય સંસ્કૃતિ પરિષદ, ડીએવી કોલેજ ટ્રસ્ટ એન્ડ મેનેજમેન્ટ સોસાયટી, દિલ્હી સ્કૂલ ઓફ સોશિયલ વર્ક સોસાયટી, હમદર્દ એજ્યૂકેશન સોસાયટી, નેશનલ ફેડરેશન ઓફ ફીશરમેન કોઓપરેટિવ લિ., મહારીશી આયુર્વેદા પ્રતિષ્ઠાન, એમેન્યૂલ હોસ્પિટલ અસોસિએશન વગેરેનો સમાવેશ થાય છે