ન્યૂયોર્ક સ્ટેટ એસેમ્બલીનાં સભ્ય જેનિફર રાજકુમાર, એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગમાં આવેલી વિધાનસભામાં એકમાત્ર ઇન્ડિયન અમેરિકન મહિલા છે અને ગવર્નર કેથી હોચુલે નવા વર્ષની પૂર્વ સંધ્યાએ તેમને એક મહાન ભેટ આપી હતી.
ગવર્નરે 31 ડિસેમ્બર, 2021ના રોજ જેનિફરે સૂચવેલા કાયદાના બિલ હસ્તાક્ષર કરી તેના અમલને મંજૂરી આપી છે.
2021માં તેમણે મેળવેલી અસંખ્ય સિદ્ધિઓ પૈકીની આ સફળતા હતી, તેમણે કોવિડ-19ની અસરથી પીડાતા ડિસ્ટ્રિક્ટ 38ના મતદારોને મદદ કરવાની પહેલ પણ કરી હતી.
તેમની તાજેતરની સફળતામાં ડોમેસ્ટિક વર્કર્સ (વિવિધ પ્રકારના ઘરકામ કરતા લોકો) ની સ્થિતિ અંગેના બે બિલ હતા, જે હવે કાયદો બની ગયો છે. આ બિલ આવા કામદારોના માનવાધિકારોનું રક્ષણ કરે છે, જેમાં ઘણા સાઉથ એશિયન અને કેરેબિયન મૂળના લોકો છે.
રાજકુમારના ડિસ્ટ્રિક્ટ 38 માં ગ્લેન્ડેલ, ઓઝોન પાર્ક, રીચમન્ડ હિલ, રીજવૂડ વગેરેનો સમાવેશ થાય છે, તેમાં ઘણા ડોમેસ્ટિક વર્કર્સ છે. આ અંગે કુમારે નોંધ્યું હતું કે તેમના બે મહત્ત્વના બિલ-A6077A અને A8007 ન્યૂયોર્ક સ્ટેટમાં હજજારોની સંખ્યામાં ડોમેસ્ટિક વર્કર્સ માટે ફાયદા અને સુરક્ષામાં વધારો કરે છે.
રાજકુમારે જણાવ્યું હતું કે, ‘ગવર્નરે મને નવા વર્ષની પૂર્વ સંધ્યાએ ભેટ આપી છે. ન્યૂયોર્ક સ્ટેટમાં માનવાધિકારો માટે તે એક મોટું પગલું છે. ડોમેસ્ટિક કામને હવે ખરેખરના કામ તરીકે ધ્યાનમાં લેવાશે અને ડોમેસ્ટિક વર્કર્સને ઓફિસ વર્કર જેવા જ અધિકારો અને રક્ષણ મળશે.
વધુમાં, ન્યૂયોર્ક સિટીના નવનિયુક્ત મેયર એરિક એડમ્સે 1 જાન્યુઆરી, 2022 ના રોજ હોદ્દો સંભાળ્યો ત્યારે પ્રથમ દિવસે જ આ કાયદાને મજબૂત સમર્થન આપ્યું હતું. તેમણે રાજકુમારને નવા વર્ષની ભેટ આપી હતી.
મેયર એડમ્સે નવા કાયદાનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે, ‘મારા માતા ઘરની સફાઈ કામદાર અને રસોઈ બનાવવાનું કામ કરતા હતા, તેથી હું જાણું છું કે ડોમેસ્ટિક કામદારોને પોતાની રીતે જ પડકારોનો સામનો કરવો પડતો હોય છે. એક સમય એવો હતો કે તેમણે તેના બાળકોની સંભાળ રાખવા અને ટેબલ પર ભોજન મુકવામાંથી કોઇ એકની પસંદગી કરવી પડતી હતી.’
મેયર એડમ્સે વધુમાં જણાવ્યું હતું કે, ‘હું એસેમ્બલી મેમ્બર રાજકુમારનો આભારી છું, કારણ કે, મારા જેવા પરિવારો માટે આશા છે. હવે એ સમય આવી ગયો છે કે ડોમેસ્ટિક કામદારોને લોકો કાયદા મુજબ યોગ્ય સન્માન આપે, જેના તેઓ હકદાર છે.’