યુક્રેન પર આક્રમણના ચોથા દિવસે રશિયાના પ્રેસિડન્ટ વ્લાદિમિર પુતિને અણુશસ્ત્રોથી સજ્જ લશ્કરી દળોને હાઇએલર્ટ પર રાખવાનો આદેશ આપતા પૂર્વ-પશ્ચિમ વચ્ચેની તંગદિલીમાં નાટકીય વધારો થયો હતો. નાટોના અગ્રણી દેશોના ‘આક્રમક નિવેદનો’ની પ્રતિક્રિયા રૂપે પુતિને આ આદેશ આપ્યો છે. બીજી તરફ યુક્રેનના શહેરો પર રશિયાના હવાઇ અને મિસાઇલ હુમલા ચાલુ રહ્યાં હતા. યુક્રેનના બીજા ક્રમના સૌથી મોટા શહેરમાં શેરીયુદ્ધ ચાલુ રહ્યું હતું અને રશિયાના દળોએ યુક્રેનના દક્ષિણ વિસ્તારોમાં આવેલા વ્યૂહાત્મક પોર્ટસ પર કબજો મેળવ્યો હતો. કીવ અને બીજા શહેરોમાં રશિયાના દળોને યુક્રેનના સૈનિકો અને લોકો જોરદાર લડત આપી રહ્યાં છે.
આ આદેશનો સીધો એવો અર્થ થાય છે કે રશિયાના અણુશસ્ત્રોને હુમલા માટે સજ્જ કરાશે. યુક્રેન પર રશિયાના આક્રમણ અને તેની સામે પશ્ચિમ દેશોએ આપેલા આક્રમણ નિવેદનથી હવે વિશ્વમાં અણુ યુદ્ધનું જોખમ વધ્યું છે.
રશિયાની અણુશસ્ત્રોની આ ધમકીને પગલે યુક્રેના પ્રેસિડન્ટની ઓફિસે જણાવ્યું હતું કે યુક્રેનનું એક પ્રતિનિધિમંડળ રશિયાના અધિકારીઓ સાથે મંત્રણા કરવા કરશે. યુક્રેને અગાઉ રશિયાની પસંદગીના બેલારુસમાં મંત્રણા કરવાનો ઇનકાર કર્યા હતા અને બીજા સ્થળોના વિકલ્પ આપ્યા હતા. અણુ ધમકી પછી યુક્રેન મંત્રણા માટે તૈયાર થયું છે અને મંત્રણા ક્યારે થશે તે સ્પષ્ટ નથી.
રશિયાએ યુક્રેનના વિવિધ શહેરો અને મુખ્ય મથકો પર હવાઇ, મિસાઇલ હુમલો ચાલુ રાખ્યા હતા. રશિયાના સૈનિકો તોપમારા સાથે યુક્રેનની રાજધાની કીવ તરફ આગળ વધી રહ્યાં છે. અણુશસ્ત્રોને એલર્ટ પર મૂકવાના આદેશમાં પુતિને નાટોના સભ્ય દેશોના માત્ર કથિત આક્રમક નિવેદનોને જ નહીં, પરંતુ રશિયા સામે પશ્ચિમના દેશોએ લાદેલા આકરા નાણાકીય પ્રતિબંધને પણ જવાબદાર ઠેરવ્યા હતા. પશ્ચિમના દેશોએ પુતિન સહિતના રશિયાના કેટલાંક નેતાઓ સામે પણ આકરી પાબંધીઓએ મૂકી છે.
ટોચના અધિકારીઓ સાથેની બેઠકમાં પુતિને તેમના સંરક્ષણ પ્રધાન અને ચીફ ઓફ જનરલ સ્ટાફને અણુ ડિટેરન્ટ દળોને યુદ્ધની ફરજના સ્પેશ્યલ મોડમાં મૂકવાની તાકીદ કરી હતી. પુતિને ટીવી નિવેદનમાં જણાવ્યું હતું કે “પશ્ચિમી દેશો માત્ર આર્થિક ક્ષેત્રમાં આપણા દેશો સામે પગલાં લઈ રહ્યાં નથી, પરંતુ નાટોના અગ્રણી દેશોના ટોચના અધિકારીઓ આપણા દેશની વિરુદ્ધમાં આક્રમક નિવેદનો કરી રહ્યાં છે.”
અમેરિકામાં વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી જેન સાકીએ જણાવ્યું હતું કે યુક્રેન પર આક્રમણ પહેલાના સપ્તાહમાં ઉપયોગ કરવામાં આવી હતી તે જ પદ્ધતિનો પુતિન આશ્રય લઈ રહ્યાં છે. તેમણે યુક્રેન પરના આક્રમણને વાજબી ઠેરવવા માટે કોઇ અસ્તિત્વ નથી તેવી ધમકીનું બહાનું કાઢ્યું હતું. વૈશ્વિક સમુદાય અને અમેરિકાના લોકોએ આ પરિપ્રેક્ષ્યમાં તેને જોવી જોઇએ. તેઓ વારંવાર આવું કહી રહ્યાં છે.
યુક્રેન પર આક્રમણ પહેલા પણ પુતિને ધમકી આપી હતી કે યુક્રેન સંઘર્ષમાં સીધી રીતે દરમિયાનગીરી કરનારા કોઇપણ દેશો સામે આકરો વળતો પ્રહાર કરવામાં આવશે. તેમણે તે સમયે પણ ધમકી આપી હતી કે તેમનો દેશ અણુ સત્તા છે. યુક્રેનના બીજા ક્રમના સૌથી મોટા શહેરમાં શેરીયુદ્ધની વચ્ચે પુતિને આ ચીમકી આપી છે. રશિયાના લશ્કરી દળોએ યુક્રેનના દક્ષિણમાં આવેલા વ્યૂહાત્મક પોર્ટ પર ભીંસ વધારી હતી. રશિયાએ યુક્રેનને એરફિલ્ડ અને ફ્યુઅલ ફેસિલિટી પર પણ હુમલો ચાલુ રાખ્યા હતા. યુક્રેનની રાજધાનીમાં રવિવારે વહેલી સવારે પ્રચંડ ધડાકો થયો હતો. એરપોર્ટ નજીક પણ બ્લાસ્ટ થયા હતા. રશિયાના વણથંભ્યા હુમલાની વચ્ચે કીવના રસ્તા સુમસામ બન્યા હતા. ગભરાયેલા લોકો ઘરમાં, અંડરગ્રાઉન્ડ ગેરેજ અને સબ-વે સ્ટેશનમાં છુપાયેલા રહ્યાં હતા. યુક્રેનના પ્રેસિડન્ટે જણાવ્યું હતું કે ગઈરાત્રી વધુ મુશ્કેલ હતી, કારણ કે રહેણાંક વિસ્તારો અને માળખાગત સુવિધા પર વધુ તોપામારો અને બોંબવર્ષા થઈ હતી. રશિયાએ વેસીલકીવમાં એરબેઝ નજીકના ઓઇલ ડેપોને ફુંકી માર્યો હતો. આ ઉપરાંત ખારકીવમાં ગેસપાઇલલાઇનને ઉડાવી દેવામાં આવી હતી.