Indian News
પ્રતીકાત્મક તસવીર

યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધને પગલે પરમાણુ હુમલાની આશંકા વચ્ચે એક રીપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારત અને પાકિસ્તાન પરમાણુ તાકાત વધારી રહ્યું છે, જાન્યુઆરી ૨૦૨૨માં ભારત પાસે ૧૬૦ પરમાણુ શસ્ત્રો હતા અને દેશ તેની તાકાત વધારી રહ્યું હોવાનું જણાય છે.

સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યુટ (SIPRI)ના જણાવ્યા અનુસાર ભારતનો પડોશી દેશ પાકિસ્તાન પણ તેની ન્યુક્લિયર તાકાતમાં વધારો કરી રહ્યું હોવાનું જણાય છે. ચીને પરમાણુ હથિયારોનું નોંધપાત્ર વિસ્તરણ કર્યું છે અને હજુ કરી રહ્યું છે. જાન્યુઆરી ૨૦૨૧ અને ૨૦૨૨માં ચીન પાસે ૩૫૦ પરમાણુ શસ્ત્રો હતા. જાન્યુઆરી ૨૦૨૨માં પણ ચીનના પરમાણુ વોરહેડ્સની સંખ્યા જાન્યુઆરી ૨૦૨૧ જેટલી જ છે. જોકે, વપરાશ માટે તૈયાર વોરહેડ્સની સંખ્યામાં વધારો થયો છે. કારણ કે નવા લોન્ચર્સ ૨૦૨૧માં કાર્યરત બનશે.

ભારતના ન્યુક્લિયર વેપનની સંખ્યા જાન્યુઆરી ૨૦૨૧ના ૧૫૬થી વધીને જાન્યુઆરી ૨૦૨૨માં ૧૬૦ થઈ છે. આ સમયગાળામાં પાકિસ્તાનના વોરહેડ્સ ૧૬૫ના સ્તરે સ્થિર રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ભારત પરમાણુ શસ્ત્રોનો સત્તાવાર ડેટા આપતું નથી. SIPRIના જણાવ્યા અનુસાર પરમાણુ દેશોના પરમાણુ શસ્ત્રોની સંખ્યા અને ક્ષમતા અંગે ભરોસાપાત્ર માહિતી મળવાનું મુશ્કેલ છે.