સમગ્ર દુનિયામાં કોરોનાનો કહેર યથાવત છે. ત્યાંજ ન્યૂઝીલેન્ડ એક ઉદાહરણ તરીકે સામે આવી રહ્યું છે. ન્યૂઝીલેન્ડમાં છેલ્લા 100 દિવસમાં ઘરેલૂ સ્તરે કોરોનાનો એકપણ કેસ સામે આવ્યો નથી. ન્યૂઝીલેન્ડમાં માર્ચના અંતમાં કડકાઈ સાથે લોકડાઉન લાગુ કરીને કોરોના પર કાબૂ મેળવી લીધો હતો.
ત્યારે સમગ્ર દેશમાં કોરોનાના માત્ર 100 કેસ જ હતા. રવિવારે દેશમાં ઘરેલૂ સ્તરે સંક્રમણનો એક પણ સામે નહીં આવ્યાના 100 દિવસ પૂરા થયા હતા. ન્યૂઝીલેન્ડમાં છેલ્લા ત્રણ મહિનામાં કેટલાક કોરોનાના કેસ સામે આવ્યા છે જો કે આ તમામ લોકો વિદેશથી પરત ફર્યા હતા.
તેમને સરહદ પર જ આઈસોલેશમાં મોકલવામાં આવ્યા છે. યુનિવર્સિટી ઓફ ઓટાગોમાં મહામારીના નિષ્ણાંત પ્રોફેસર માઈકલ બેકરે જણાવ્યું છે કે, આ સારા વિજ્ઞાન અને શ્રેષ્ઠ રાજકીય નેતૃત્વનું પરિણામ છે. કોરોના કાબૂ મેળવી લેવા માટે ન્યૂઝીલેન્ડના વડાપ્રધાન જેસિન્ડા આર્ડનની પ્રશંસા આજે સમગ્ર વિશ્વ કરી રહ્યું છે.
ન્યૂઝીલેન્ડમાં અત્યાર સુધી કોરોનાના લગભગ 1500 કેસ સામે આવ્યા છે જેમાંથી 22 લોકોના મોત થઈ ગયા છે. 50 લાખની વસ્તી ધરાવતા દેશમાં જનજીવન ધીમે-ધીમે પાટા પર આવી રહ્યું છે.