નાયગ્રા ધોધની નજીક આવેલા નગરમાં કાઉન્સિલર તરીકે સેવા આપવા ઉપરાંત પ્રાંતિય સરકાર માટે કામ કરતા શોન લેવિન તેમના બે સંતાનો સાથે શાંતિપૂર્ણ પારિવારિક જીવન વિતાવતા હોય છે. પરંતુ હાલમાં ન્યૂયોર્ક એર નેશનલ ગાર્ડની 107મી એટેક વિંગના સભ્ય, લેફટેનન્ટ લેવિન અને તેમની ટીમ ન્યૂયોર્ક શહેરમાં ઘરોમાં મૃત્યુ પામેલા કોરોના પીડિતોના મૃતદેહો મેળવવા તથા તેની સંપૂર્ણ તકેદારી રાખી મેડીકલ એક્ઝામિનર ઓફિસનો કાર્યભાર હળવો કરવાની જવાબદારી નિભાવે છે.
મેનહટનમાં બેલેવ્યુ હોસ્પિટલની બહાર સફેદ તંબૂમાં વસતા લેવિન તેમની ટીમના પુરુષ અને મહિલા સભ્યોની બે સભ્યોની ટીમ તરીકે સિટી કોરોનર્સની મદદે મોકલી રહ્યા છે. વાદળી મેડીકલ એપ્રન અને માસ્કની નીચે સંપૂર્ણ લશ્કરી યુનિફોર્મમાં સજ્જ આવી ટીમો જે તે અસરગ્રસ્તોના મકાનોમાં પ્રવેશી મૃતદેહોનું પૂરેપૂરી કાળજીપૂર્વક પેકિંગ કર્યા પછી લઇ જાય છે.
ન્યૂયોર્કની હોસ્પિટલોમાં આ સપ્તાહમાં પ્રતિદિન 700નાં મૃત્યુ નોંધાતા શહેરના મોર્ગ્સમાં પણ જગ્યાનો અભાવ વર્તાતા હોસ્પિટલોની બહાર પાર્ક કરાયેલી વાતાનૂકૂલિત ટ્રકોમાં મૃતદેહો રખાય છે. અંતમવિધિની કામગીરી પાર પાડનારાઓનો કાર્યબોજ સતત કામગીરી છતાં ઘટવાના બદલે વધતો રહ્યો છે. આવા સંજોગોમાં કોરોનાથી ઘરોમાં થતા મોતના આંકડાનો આવા મૃત્યુઆંકમાં સમાવેશ થતો નહીં હોવાથી ન્યૂયોર્કમાં મહામારીનો મૃત્યુઆંક ઓછો બતાવાતો હોવાની છાપ ઉભી થાય છે.
કોરોનાના મૃતકોના મૃતદેહો ઘરમાંથી હટાવવા 14 દિવસોનો સમય અપાતો હોય છે તે પછી હાર્ટ આઇલેન્ડના કબ્રસ્તાનમાં હંગામી દફનવિધિ માટે મોકલાય છે. 1918માં ફલુ અને 1980ના દાયકામાં એચઆઇવી મહામારી વખતે આ કબ્રસ્તાનનો ઉપયોગ કરાયો હતો. આ કબ્રસ્તાનમાં 1 મિલિયનથી વધારે દાવો ના કરાયા હોય તેવા મૃતદેહો દફન કરાયેલા છે.
13 સભ્યોની ટીમના કમાન્ડર લેફટે. લેવિને જણાવ્યું હતું કે, ન્યૂયોર્ક શહેરમાં મૃતકોને હટાવવાની કામગીરી તેમણે અગાઉ ક્યારેય વિચારી ના હોય તેવી હોવાની સાથોસાથ આ કામગીરીમાં ભારોભાર આભારની અભિવ્યક્તિ અસરગ્રસ્ત પરિવારો તરફથી સાંપડી રહી છે. ન્યૂ યોર્કમાં સામાન્ય સંજોગોમાં પ્રતિદિન 425 મૃત્યુનો કાર્યભાર સંભાળતા ન્યૂયોર્ક સ્ટેટ ફયુનરલ ડાયરેક્ટર એસોસિયેશનના કહેવા પ્રમાણે કોરોના વાઇરસથી મોતનો આંકડો વધતા હાલમાં ન્યૂયોર્કમાં પ્રતિદિન મૃત્યુનું પ્રમાણ લગભગ બમણું થઇ ગયું છે. એસોસિયેશનના ડાયરેક્ટર માઇક લેનોટના કહેવા પ્રમાણે મૃત્યુના ભયાવહ પ્રમાણની કોઇએ લાખો વર્ષમાં કલ્પના કરી નહીં હોય.
ન્યૂ યોર્કમાં કોરોનાની તબાહી માટેનાં કારણો
અમેરિકાના સૌથી મોટા શહેર ન્યૂ યોર્કમાં કોરોનાએ એ હદે તબાહી મચાવી છે કે, હવે વુહાન અને ચીન ભુલાઈ ગયા છે અને ન્યૂયોર્ક જ દુનિયાનુ બીજુ વુહાન બની ચુક્યુ છે.
એકલા ન્યૂ યોર્કમાં જ કોરોનાના એક લાખ કરતા વધારે દર્દીઓ છે. 6000 કરતા વધારે લોકો મોતને ભેટયા છે. ન્યૂયોર્કમાં કોરોનાએ મચાવેલા કહેર પાછળ ત્રણ મુખ્ય કારણો સામે આવી રહ્યા છે. આવો જાણીએ આ ત્રણે કારણોને
પહેલુ કારણ છે વસતી.અમેરિકાના ધારાધોરણ પ્રમાણે જોવામાં આવે તો ન્યૂયોર્ક શહેર ગીચ વસતી ધરાવે છે. અહીંયા 86 લાખ રકતા વધારે લોકો રહે છે. જે અમેરિકાના બીજા કોઈ પણ શહેર કરતા વધારે છે. અહીંયા દર ચોરસ કિલોમીટરમાં 10000 લોકો રહે છે. જે અમેરિકાના સ્ટાન્ડર્ડ પ્રમાણે ઘણુ વધારે કહેવાય. અહીંયા લાખો લોકો મુંબઈની જેમ સબ વે ટ્રેનમાં મુસાફરી કરતા હોવાથી કોરોનાનુ સંક્રમણ ફેલાવવાનો ભય વધારે જ હતો.
બીજુ કારણ ટુરિસ્ટસ છે. અહીંયા દર વર્ષે 6 કરોડ પર્યકો આવે છે. ન્યૂ યોર્ક શહેર મોટાભાગના ટુરિસ્ટ માટે અમેરિકામાં એ્ન્ટ્રી માટેનુ શહેર છે. અહીંયા દુનિયાના તમામ દેશોથી પ્લાઈટસ આવે છે. બીજા રાજ્યો સાથે પણ ન્યૂયોર્ક કનેક્ટેડ છે. આમ કોરોનાનો ચેપ લઈને ઘણા લોકો ન્યૂયોર્કમાં દાખલ થયા હતા. અમેરિકાએ ચીનથી આવનારાનુ તો સ્ક્રીનિંગ શરુ કર્યુ હતુ પણ યુરોપથી આવનારા લોકો પર ધ્યાન નહોતુ આપ્યુ. આ દરમિયાન યુરોપમાં કોરોના ફેલાઈ ચુક્યો હતો. યુરોપના લોકો કોરોના લઈને અમેરિકામાં ન્યૂયોર્કમાં આવ્યા હતા. કોરોનાના પહેલો કેસ 1 માર્ચે સામે આવ્યો હતો.
અમેરિકા ભલે સમૃધ્ધ દેશ ગણાતો હોય પણ ન્યૂ યોર્કમાં આર્થિક અસમાનતા અને ગરીબી ઘણી વધારે છે. જેની છાશવારે ટીકા થતી હોય છે. અહીંના બ્રોન્કસ જેવા વિસ્તારોમાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતા લોકો રહે છે. જેમની પાસે મેડિકલ કેરની સુવિધાઓ બહુ ઓછી છે. અહીંયા જ સૌથી વધારે લોકોના મોત થયા છે. બીજી તરફ કોરોના સામે ન્યૂ યોર્કનુ તંત્ર પણ ઉદાસીન રહ્યુ હતુ. સ્કૂલ બંધ કરાયાના છ દિવસે તો બીજા લોકો માટે પહેલી અપીલ જાહેર કરાઈ હતી.