અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સામે પોર્નસ્ટાર કેસમાં કોર્ટમાં આરોપનામુ ઘડવાની તૈયારી ચાલે છે ત્યારે ન્યૂયોર્કના લોકો ઉચાટમાં છે. કેટલાંક લોકો માને છે કે સરકારી એજન્સીઓ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળી રાખવા સક્ષમ છે, જ્યારે બીજી કેટલાંક લોકો માને છે કે ટ્રમ્પના સમર્થકો તોફાન પર ઉતરી આવશે. બીજી તરફ ટ્રમ્પે પોતાની ધરપકડ થશે તો મોત અને વિનાશની ચેતવણી આપી હતી. અગાઉ ચૂંટણીમાં પરાજય થયો ત્યારે ટ્રમ્પના સમર્થકોએ વ્હાઇટ હાઉસ પર હુમલો કર્યો હતો અને હિંસા કરી હતી તેનાથી આ વખતે પણ આવો અંદેશો વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.
આ કેસ 2016ની પ્રેસિડન્ટની ચૂંટણીના પ્રચાર દરમિયાન ટ્રમ્પ અને પોર્ન સ્ટાર વચ્ચેના કથિત અફેર્સ સંબંધિત છે. ટ્રમ્પે પોર્નસ્ટારને ચુપ રહેવા બદલ પૈસા ચુકવ્યા હોવાનું માનવામાં આવે છે. 76 વર્ષના ટ્રમ્પ સામે આરોપનામુ ઘડવું કે નહીં તેની ગ્રાન્ડ જ્યુરી વિચારણા કરી રહી છે. 2016ની પ્રમુખપદની ચૂંટણી પહેલાના સપ્તાહમાં ડોનાલ્ડ ટ્રમ્પની ઓફિસે પોર્નસ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને ચુપ રહેવા માટે 130,000 ડોલર ચુકવ્યા હોવાનો આરોપ છે અને તેની મનહન ડિસ્ટ્રિક્ટ એટર્ની એલ્વિન બ્રેગ તપાસ કરી રહ્યાં છે.
લોઅર મેનહટનમાં કોર્ટહાઉસની નજીક તેમજ મેનહટન ડિસ્ટ્રિક્ટ એટર્ની એલ્વિન બ્રેગની ઓફિસની બહારના કેટલાક સ્થળોએ બેરિકેડ્સ લગાવવામાં આવ્યાં છે. અહીં પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવ્યા છે.
ટ્રમ્પે ઈ-મેઈલમાં જણાવાયું હતું કે ગુનો ન કર્યો હોવા છતાં પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ સામે આરોપનામું ઘડાશે કે નહીં તેની આપણુ રાષ્ટ્ર રાહ જોઇ રહ્યું છે ત્યારે મનહટન ક્રિમિનલ કોર્ટની આસપાસ બેરિકેડ્સ લગાવવામાં આવ્યા છે. ટ્રમ્પે કોર્ટના ચુકાદાનો વિરોધ કરવા તેમના સમર્થકોને હાકલ કરી છે. ગ્રાન્ડ જ્યુરીના ચુકાદા સામે ટ્રમ્પના સમર્થકો એકઠા થાય તેવી શક્યતા છે.