ન્યૂયોર્ક સ્ટેટ વિધાનસભાએ શહેરની સ્કૂલોમાં દિવાળીની રજા આપવા માટે એક બિલ પાસ કર્યું છે.એસેમ્બલીનાં સભ્ય જેનિફર રાજકુમારે આ બિલ રજુ કર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, દિવાળીએ સ્કૂલોમાં રજા આપવામાં સાઉથ એશિયન, ઇન્ડો-કેરેબિયન, હિન્દુ, શીખ, જૈન અને બુદ્ધિસ્ટ સમુદાયોના “સાંસ્કૃતિક વારસા”નું સન્માન કરવામાં લાંબો સમય પસાર થઇ ગયો છે. 10 જુનના રોજ સત્ર વહેલું પૂર્ણ થાય તે પહેલા સેનેટ અને વિધાનસભા-બંનેએ બિલની તરફેણમાં મત આપ્યો હતો. હવે આ બિલ કાયદો બને તે માટે ગર્વનર કેથી હોચુલની મંજૂરી પછી અમલી બનશે. એક અંદાજ પ્રમાણે આ સમુદાયોના બે લાખ જેટલા વિદ્યાર્થીઓ આ રજામાં તેમના દીપોત્સવની ઉજવણી કરી શકશે.

જેનિફર રાજકુમારે જણાવ્યું હતું કે, ન્યૂયોર્કમાં ચૂંટાયેલ પ્રથમ હિન્દુ અમેરિકન અને સાઉથ એશિયન અમેરિકન મહિલા તરીકે, હું દિવાળીની ઉજવણી કરનારાઓ સહિત નવા અમેરિકન સમુદાયો માટે હિમાયત કરવા આ અંગે ખાસ ગૌરવ લઇ શકું છું. અગાઉ 2021 અને 2022માં આ કાયદો પસાર કરવાના બે પ્રયાસો નિષ્ફળ ગયા હતા.
જેનિફર રાજકુમાર અને સ્ટેટ સેનેટર જોસેફ અડેબોએ દિવાળીને બ્રૂકલીન-ક્વીન્સ ડેની રજાને બદલે અને તેને શહેરને યોગ્ય લાગે તેમ કરવાની દરખાસ્તને પડતી મૂક્યા પછી બિલથી છેલ્લી ઘડીની અડચણ દૂર થઇ હતી. દર વર્ષે જરૂરી 180 દિવસની શૈક્ષણિક કામગીરી જાળવી રાખવા માટે દિવાળીની રજા જાહેર નહીં થયેલ એનિવર્સરી ડેના બદલે મળી શકે છે.

ગત ફેબ્રુઆરીમાં, ન્યૂયોર્ક સિટી કાઉન્સિલે કાઉન્સિલવૂમન લિન્ડા લી દ્વારા સ્કૂલમાં દિવાળીની રજા આપવા માટે રજૂ કરાયેલો ઠરાવ પસાર થયો હતો, પરંતુ તેને રાજ્યકક્ષાએ મંજૂરીની જરૂર હતી.ન્યૂયોર્કના મેયર એરિક એડમ્સે તેમના પુરોગામીઓથી વિપરીત, આ કાયદાને સમર્થન આપ્યું છે, સ્કૂલ ચાન્સેલર ડેવિડ બેંક્સનું પણ આ પ્રકારનું જ વલણ રહ્યું હતું. ન્યૂયોર્ક વિધાનસભાએ રાજ્યવ્યાપી સ્કૂલોમાં લ્યુનર ન્યૂ યરની રજા આપવા માટેનું બિલ પણ પસાર કર્યું હતું.

LEAVE A REPLY