પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)
અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં અવરજવર પહેલેથી મોંઘી તો હતી જ, હવે શહેરના ટ્રાફિકથી ધમધમતા વિસ્તારોમાં કાર, બસ અને ટ્રક જેવા વાહનોની એન્ટ્રી પર સત્તાવાળાઓ ટોલ વસુલશે. આવા વાહનોની એન્ટ્રી પર 15 ડૉલરથી માંડીને 36 ડૉલર સુધીનો કન્જેશન ટૉલ લદાયો છે, જેના કારણે મેનહટનના સૌથી વ્યસ્ત વિસ્તારોમાં પ્રવેશ વધુ મોંઘો બનશે. કન્જેશન ટૉલની વસુલાત મધ્ય જૂનથી શરૂ કરાશે. આ ટૉલ લાદવા માટે ન્યૂયોર્ક મેટ્રોપોલિટન ટ્રાન્સપોર્ટ ઓથોરિટી (એમટીએ) દ્વારા ગયા સપ્તાહે બુધવારે મતદાન કરાવાયું હતું જેમાં ટૉલના સમર્થનમાં 11 અને તેની વિરુદ્ધ માત્ર એક મત પડ્યો હતો.
કન્જેશન ટૉલ લાદવા પાછળનો આશય લોકોને જાહેર પરિવહનનો મહત્તમ ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો અને તેમજ મિડટાઉન અને લોઅર મેનહટનમાં ટ્રાફિકનું ભારણ ઘટાડીને પ્રદૂષણમાં પણ ઘટાડો કરવાનો છે. એમટીએના ચેર અને સીઇઓ જેન્નો લીબેરે કન્જેશન ટૉલ માટે મતદાનને એમટીએમાં હજુ સુધીનું સૌથી મહત્ત્વપૂર્ણ મતદાન ગણાવીને જણાવ્યું હતું કે,‘એમટીએ તૈયાર છે.
કન્જેશન ટૉલની વસુલાતની તૈયારીઓના ભાગરૂપે 12 સબવે લાઇન પર સર્વિસ સુધારાઇ છે. બસ નેટવર્ક રીડિઝાઇન કરાયા છે અને લોન્ગ આઇલેન્ડથી કોમ્યુટર રેલ સર્વિસમાં વધારો કરાયો છે.
કન્જેશન ટૉલ મારફત એક અબજ ડૉલરથી વધુ રકમ એકઠી કરવાની યોજના છે. જે રકમ સબવે સ્ટેશનોના રીનોવેશન પાછળ ખર્ચાશે. એનાથી સ્ટેશનોની પહોંચ વધુ સુગમ બનાવાશે, સબવે સિગ્નલ્સનું આધુનિકરણ કરાશે તેમજ સિસ્ટમ્સનું વિસ્તરણ કરાશે.
નવા ટૉલને સમર્થન આપનારા લોકોનું કહેવું છે કે, તેનાથી લોકો જાહેર પરિવહન સેવાનો વધુ ઉપયોગ કરવા માટે પ્રેરિત થશે, ટ્રાફિકનું ભારણ ઘટવાથી જાહેર પરિવહનની બસો તેમજ ઇમરજન્સી વાહનોની ગતિમાં વધારો થશે, પ્રદૂષણમાં પણ ઘટાડો થશે તેમજ મેટ્રો સિસ્ટમમાં સુધારા માટે જરૂરી ભંડોળ પણ એકત્ર થશે. બીજી તરફ કન્જેશન ટૉલના વિરોધીઓનું કહેવું હતું કે તે શ્રમિકો પર બોજ છે.
તેનાથી ટ્રકોમાં શહેરમાં લાવવામાં આવતી વસ્તુઓ મોંઘી બનશે. અમેરિકાના કોઇપણ શહેરમાં કન્જેશન ટૉલ લદાયાની આ પહેલી ઘટના છે. જોકે તેના માટે સંઘીય મંજૂરી જરૂરી રહેશે અને ટૉલ કલેક્શન માટેની સિસ્ટમ પણ તૈયાર કરવી પડશે. લંડન અને સ્ટોકહોમમાં આવી વ્યવસ્થા છે.

LEAVE A REPLY