અમેરિકામાં શીખ ધર્મના લોકો સામેના હેટ ક્રાઇમમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ન્યૂ યોર્ક સિટીના ક્વીન્સમાં મંગળવારે શીખ ધર્મના બે વ્યક્તિ પર હુમલો થયો હતો. બે હુમલાખોરોએ લાડકી અને મુક્કાથી હુમલો કર્યો હતો અને લૂંટ કરી હતી. આશરે 10 દિવસ પહેલા આ જ વિસ્તારમાં એક શીખ વૃદ્ધ પર હુમલો થયો હતો.
ન્યૂ યોર્ક ખાતેના ભારતના કોન્સ્યુલેટ જનરલે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે રિચમન્ડ હિલ્સ, ન્યૂ યોર્કમાં શીખ ધર્મના બે વ્યક્તિ પરનો હુમલો નિંદનીય છે. અમે આ મુદ્દે સ્થાનિક સત્તાવાળા અને ન્યૂ યોર્ક સિટી પોલિસ વિભાગને રજૂઆત કરી છે. આ ઘટના અંગે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને એક વ્યક્તિની ધરપકડ થઈ છે. કોન્સ્યુલેટે જણાવ્યું હતું કે તે સમુદાયના સભ્યોના સંપર્કમાં અને પીડિતોને તમામ સહાય કરવા માટે તૈયાર છે.
કોમ્યુનિટી આધારિત સિવિલ અને હ્યુમન રાઇટ ઓર્ગેનાઇઝેશન શીખ કોઅલિએશને જણાવ્યું હતું કે શીખ ધર્મના બે વ્યક્તિ પર મંગળવારે રિચમંડ હિલ, ક્વીન્સ ખાતે હુમલો થયો હતો અને લૂંટફાટ કરવામાં આવી હતી. 3 એપ્રિલે વયોવૃદ્ધ નિર્મલ સિંહ પર હુમલો થયો તે વિસ્તારની નજીકના સ્થળે હુમલો થયો છે.
બ્રુકસિન સબવેમાં અંધાધૂંધ ફાયરિંગની ઘટનાના દિવસે જ શીખ ધર્મના લોકો પર આ હુમલો થયો હતો. ક્વીન્સ બરોના પ્રેસિડન્ટ ડોનોવાન રિચાર્ડે જણાવ્યું હતું કે નિર્મલ સિંઘ પરના હુમલાના થોડા દિવસોમાં બીજા શીખ લોકો પર હુમલો થયો છે. રિચમન્ડ હિલ એરિયા માટે વધુ એક ખરાબ દિવસ છે. શીખ કોઅલિશનને જણાવ્યું હતું કે ગુપ્તતાનું સન્માન કરવા માટે તે આ બે વ્યક્તિના નામ અને તસવીર જારી કરતું નથી. તેમની મેડિકલ સારવાર ચાલુ છે.
જોકે સોશિયલ મીડિયામાં જારી થયેલા વીડિયો ફૂટેજમાં દેખાય છે કે બે વ્યક્તિઓને સ્થાનિક લોકો અને પોલીસ મદદ કરી રહ્યાં છે. એક ઇજાગ્રસ્ત રોડ પર બેઠેલા છે, જ્યારે બીજા વ્યક્તિ તેમની બાજુમાં ઊભા છે અને કપડાથી આંખ નજીકની ઇજાને સાફ કરી રહ્યાં છે. આ વીડિયામાં બંને શીખ વ્યક્તિ પાઘડી વગરના દેખાય છે.
શીખ કોઅલિશને જણાવ્યું હતું કે તે ન્યૂયોર્ક પોલિસ ડિપાર્ટમેન્ટના હેટ ક્રાઇમ ટાસ્ટ ફોર્સના સીધા સંપર્કમાં છે. સેલે જણાવ્યું છે કે એક શંકાસ્પદની કસ્ટડીમાં લેવામાં આવ્યો છે અને બીજા હુમલાખોરની શોધખોળ ચાલુ છે. પોલીસ માને છે કે શીખ હોવાને કારણ આ બંને વ્યક્તિ પર હુમલો થયો હતો અને આ ઘટનાની શીખ વિરોધી હેટ ક્રાઇમ તરીકે તપાસ ચાલુ છે.
શીખ કોઅલિયેશનના સિનિયર પોલિસી એડ એડવોકેસી મેનેજર નિક્કી સિંહે જણાવ્યું હતું કે શીખ ધર્મના લોકો સામે વારંવાર આવી હિંસા થઈ રહી છે. ન્યૂયોર્ક સ્ટેટ એસેમ્બ્લીવુમન જેનિફર રાજકુમારે જણાવ્યું હતું કે ન્યૂ યોર્ક સ્ટેટ ઓફિસમાં ચૂંટાયેલા પ્રથમ પંજાબી અમેરિકન તરીકે તેઓ ભારપૂર્વક જણાવે છે કે ન્યૂ યોર્ક સ્ટેટમાં શીખ અમેરિકન કમ્યુનિટી સામે હેટ ક્રાઇમ માટે ઝીરો ટોલેરન્સ છે. તેમણે નોંધ્યું હતું કે તાજેતરના વર્ષમાં શીખ સમુદાય સામેના હેટ ક્રાઇમમાં 200 ટકાનો ચિંતાજનક વધારો થયો છે.
ગયા સપ્તાહે ન્યૂ યોર્ક પોલીસે નિર્મલ સિંઘ હુમલા કરનારા શંકાસ્પદ વ્યક્તિનો વીડિયો જારી કર્યો હતો અને તેની માહિતી આપનારને 3,500 ડોલરનું ઇનામ આપવાની જાહેરાત કરી હતી. નિર્મલ સિંઘ પર હુમલો કરનારા વ્યક્તિઓએ જ આ નવેસરથી હુમલો કર્યો છે કે નહીં તે અંગે કોઇ માહિતી મળી નથી. શીખ ધર્મના લોકો વિશ્વભરમાં છે. અમેરિકામાં આ ધર્મના લોકોની સંખ્યા આશરે 5 લાખ હોવાનો અંદાજ છે.