ન્યૂ યોર્ક સિટીના બ્રોન્ઝ વિસ્તારમાં એક એપોર્ટમેન્ટમાં ભીષણ આગ બાદ એફડીએનવાયના ઇમર્જન્સી અધિકારીઓએ રાહત અને બચાવની કામગીરી હાથ ધરી હતી.REUTERS/Lloyd Mitchell

ન્યુયોર્કમાં એક બહુમાળી એપાર્ટમેન્ટમાં રવિવારે સવારે ભીષણ આગ લાગતાં 9 બાળકો સહિત 19 લોકોના મોત કમકમાટીભર્યા થયા હતા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઘાયલોને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં રાહત અને બચાવ કામગીરી ચાલુ કરવામાં આવી હતી. ઇલેક્ટ્રિક સ્પેસ હીટરમાં ખામીને કારણે આ ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. ન્યૂ યોર્ક સિટીના તાજેતરના ઇતિહાસની આ સૌથી વિકરાળ આગ હતી.

ન્યૂ યોર્ક સિટી ફાયર ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે બ્રોન્ઝમાં 19 માળની ઇમારતમાં રવિવારે સવારે 11 વાગ્યા આગ લાગી હતી. અમારા 200 કર્મચારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ન્યૂયોર્કના મેયર એરિક એડમ્સે જણાવ્યું હતું કે આ બિલ્ડિંગમાં મોટાભાગે મુસ્લિમ વસતિ રહે છે. આફ્રિકાના ગામ્બિયાના ઘણા માઇગ્રન્ટ પણ રહે છે. સીએનએનના અહેવા મુજબ આ એપોર્ટમેન્ટ 50 વર્ષ જુનું હતું અનેતેમાં 120 યુનિટ હતા.

ઘટનાસ્થળે હાજર લોકો અનુસાર, આગ લાગી ત્યારે બહુમાળી ઈમારતની બારીમાંથી લોકો મદદ માટે બૂમો પાડી રહ્યા હતા, પરંતુ આગ એટલી ગંભીર હતી કે તેમાંથી અમુકને યોગ્ય સમયે મદદ મળી ન હતી. આગના કારણ વિશે માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું હતું કે બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના પોર્ટેબલ ઇલેક્ટ્રિક હીટરના કારણે બની હતી.

ન્યૂયોર્કના મેયરે રવિવારે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે, રવિવારે શહેરમાં એક ઊંચી ઈમારતમાં લાગેલી આગમાં ઓછામાં ઓછા 19 લોકોના મોત થયા હતા અને અનેક લોકો ઘાયલ થયા હતા. તેમાં 9 બાળકોનો પણ સમાવેશ થાય છે. આ ઘટનામાં આશરે 30 લોકોની સ્થિતિ ગંભીર હતી.

મેયર એરિક એડમ્સે સીએનએનને કહ્યું કે, 19 લોકોના મૃત્યુની પુષ્ટિ કરવામાં આવી છે, જ્યારે અન્ય કેટલાક લોકોની હાલત ગંભીર છે. તેમણે કહ્યું કે 63 લોકો ઘાયલ થયા છે. આ અમારા ઇતિહાસમાં સૌથી ભયંકર આગ છે. અમે ગુમાવેલા લોકો માટે પ્રાર્થનામાં મારી સાથે જોડાઓ, ખાસ કરીને 9 બાળકો કે જેમણે આ ઘટનામાં પોતાનો જીવ ગુમાવ્યો છે. ન્યૂયોર્ક શહેરના ફાયર ડિપાર્ટમેન્ટના કમિશનર ડેનિયલ નિગ્રોએ જણાવ્યું હતું કે, માર્શલ્સે પુરાવા અને રહેવાસીઓ હવાલાથી મળેલી માહિતીના આધારે પુષ્ટી આપી હતી કે આગ એક બેડરૂમમાં પોર્ટેબલ ઇલેક્ટ્રિક હીટરથી શરૂ થઈ હતી.અગાઉ ફિલાડેલ્ફિયાના એક એપોર્ટમેન્ટમાં આગથી આઠ બાળકો સહિત 12ના મોત થયા હતા.