2020 અને તે પહેલા જાહેર ક્ષેત્રના અને સમુદાયના સેંકડો કાર્યકરોના અવિશ્વસનીય પ્રયાસોની સરાહના કરતા યુનાઇટેડ કિંગડમના તમામ ચાર દેશોમાં તેમના અસાધારણ યોગદાન માટે માન્યતા મેળવનાર 1,239 અગ્રણીઓને ન્યુ યર ઓનર્સ લીસ્ટમાં સમાવેશ કરી વિવિધ ઇલ્કાબો એનાયત કરવામાં આવ્યા હતા. ન્યુ યર ઓનર્સ લીસ્ટ એ અત્યાર સુધીની સૌથી વધુ વંશીય વૈવિધ્યપુર્ણ સન્માન સૂચિ છે, જેમાં સન્માન મેળવનારાઓ પૈકી 14.2% લોકો બ્લેક, એશિયન અથવા લઘુમતી વંશીય પૃષ્ઠભૂમિમાંથી આવે છે.
જાહેર ક્ષેત્રના કાર્યકરો સૂચિમાં 14.8% લોકો ફાયરફાઇટર્સ, મેડિકલ પ્રોફેશનલ્સ, શિક્ષકો, પોલીસ અધિકારીઓ અને સ્થાનિક સરકારી કાર્યકરોનો સમાવેશ કરાયો છે. તેમની વ્યક્તિગત કામગીરી ઉપરાંત ખાસ કરીને કોવિડ-19 રીસ્પોન્સ માટે પસંદગી કરાઇ છે.
ચેરીટી હાઉસીંગ હેલ્પ લાઇન ‘શેલ્ટર’ના નદીમ ખાનને પાકિસ્તાનના લાહોરમાં ઘરની છત પરથી પોતાના અંગત લેપટોપ દ્વારા સેવાઓ આપવા બદલ બી.ઈ.એમ. મળ્યો છે.
આ યાદીમાં સમાવિષ્ટ 123 (10%) લોકો હેલ્થ એન્ડ સોશ્યલ કેર કાર્યકરો છે. 28 વર્ષીય ડૉ. અજીમ આલમને બાઇટમેડિસિનની સ્થાપના માટે બીઈએમ મળ્યો છે. જેઓ ઑનલાઇન, જીવંત વેબિનાર્સ દ્વારા વિશ્વભરમાં 10,000 વિદ્યાર્થીઓને મફત તબીબી શિક્ષણ આપે છે.
આ ઓનર્સ લીસ્ટમાં બ્રિટનના નાના મોટા બિઝનેસીસ દ્વારા કોવિડ-19 દરમિયાન બધા નબળા ગ્રાહકો આવશ્યક ચીજો મેળવી શકે તે માટે જે જહેમત ઉઠાવનાર 111 પ્રાપ્તકર્તાઓ (9%)ને તેમના સમુદાયોમાં આપેલા ફાળા માટે એવોર્ડ અપાયા છે. એવોર્ડ મેળવનાર લોકોમાંથી, 65% લોકોને તેમના સમુદાયના કાર્ય માટે માન્યતા પ્રાપ્ત થઇ છે.
આ યાદીમાં સૌથી વૃદ્ધ વ્યક્તિ વિલ્ટશાયરના સેલિસબરીના 106 વર્ષના એન બેકરને NSPCC માટે ભંડોળ ઉભું કરવા બદલ એમબીઈ એનાયત કરાયો છે. તેજ રીતે થેમ્સ વેલી એર એમ્બ્યુલન્સ માટે પૈસા એકત્ર કરવા માટે મેરેથોનમાં ચાલવા માટે 104 વર્ષીય રૂથ સોન્ડર્સને એમબીઈ આપાયો છે. તો સૌથી નાના 20 વર્ષના સમાહ ખલીલ છે, ઓલ્ડહામના આ યુથ મેયરને યુવાનોના સશક્તિકરણ માટે બીઈએમ અપાયો છે.
વડા પ્રધાન બોરિસ જોન્સને કહ્યું હતું કે “એક વર્ષમાં જ્યારે ઘણા લોકોએ આપણી એન.એચ.એસ.ની સુરક્ષા અને લોકોના જીવન બચાવવા બલિદાન આપ્યા છે, ત્યારે આજે સન્માન મેળવનારા લોકોના ઉત્કૃષ્ટ પ્રયત્નો એ માનવ ભાવનાની શક્તિ, હિંમત અને કરુણા દ્વારા શું પ્રાપ્ત કરી શકાય છે તેની યાદ અપાવે છે. તેમની સેવા અને વાર્તાઓ આપણા બધા માટે પ્રેરણારૂપ બની શકે.”
જાહેર કરાયેલ એવોર્ડ મેળવનારા 1,239 લોકોમાંથી બીઇએમ, એમબીઇ અને ઓબીઇ સ્તરે 1,123 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. જેમાંથી BEM માટે 397, MBE માટે 476 અને OBE માટે 250 લોકોની પસંદગી કરાઇ છે. 803 (65%) વિજેતા એવા લોકો છે કે જેમણે પોતાના સમુદાયોમાં સ્વૈચ્છિક અથવા નાણાં લઇને આ ઉત્કૃષ્ટ કાર્ય હાથ ધર્યું છે. એવોર્ડ મેળવનારાઓમાં 603 મહિલાઓનો સમાવેશ થાય છે જે કુલ સંખ્યાના 49% છે. 14.2% સફળ ઉમેદવારો BAME પૃષ્ઠભૂમિમાંથી આવે છે અને 6.9% સફળ ઉમેદવારો પોતાને ડિસેબલ માને છે જ્યારે 4% લોકો પોતાને LGBT+ તરીકે ઓળખાવે છે.
મહારાણીના નવા વર્ષના ઓનર્સ લીસ્ટમાં વિદેશમાં અથવા આંતરરાષ્ટ્રીય સ્તરે યુકેની અસાધારણ સેવા માટે વ્યવસાય, ચેરિટી અને સ્વૈચ્છિક કાર્ય, સંસ્કૃતિ, વિકાસ, શિક્ષણ, વિદેશી નીતિ, આરોગ્ય, સુરક્ષા અને રમતગમત ક્ષેત્રના 153 લોકોને માન્યતા આપવામાં આવી છે.
આ વર્ષે નાઇટહૂડ મેળવનાર અગ્રણીઓમાં ફોર્મ્યુલા 1ના ડ્રાઇવર લુઇસ હેમિલ્ટન અને સિનેમેટોગ્રાફર રોજર ડીકિન્સનો સમાવેશ થાય છે. બ્રિટિશ ચેરિટી, બેરી એન્ડ માર્ટિન ટ્રસ્ટના સ્થાપક અને અધ્યક્ષ માર્ટિન ગોર્ડન, OBEને ચાઇનામાં HIV અને એઇડ્સથી જીવતા લોકોની સેવાઓ માટે સીબીઇ અપાયો છે. મેપ એક્શનના એલિઝાબેથ રૂથ હ્યુજીસને માનવતાવાદી કટોકટી કામગીરી માટે OBE એનાયત કરાયો હતો. તો લોસ્ટ ફૂડ પ્રોજેક્ટના સ્થાપક અને પ્રમુખ સુઝાન મૂનીને મલેશિયામાં વંચિત સમુદાયોને ટેકો આપવા માટે એમબીઈ એનાયત કરાયો હતો. ફાસ્ટ ચેરિટીના પ્રમુખ, કેમ્પોઝોલ, માઝારોન સ્પેન વતી અગાઉ લશ્કરી વિભાગમાં બ્રિટીશ એમ્પાયર મેડલ મેળવનાર બેરી હેમિલ્ટનને વખતે સિવિલ ડિવીઝનમાં સેવાઓ બદલ બીજો બ્રિટીશ એમ્પાયર મેડલ એનાયત કરાયો હતો.