જાણીતા અર્થશાસ્ત્રી અને રીઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના ભૂતપૂર્વ ગવર્નર આર્થિક ક્ષેત્રે ચેતવણી આપતા જણાવ્યું છે કે, ભારતીય અર્થતંત્રની સાથે નવું વર્ષ સમગ્ર વિશ્વ માટે મુશ્કેલરૂપ હશે. જો જરૂરિયાત મુજબના ‘સુધારા’ કરવામાં નહી આવે તો અર્થવ્યવસ્થાઓમાં મુશ્કેલીઓ ઊભી થવાની સંભાવના છે. રઘુરામ રાજન તાજેતરમાં રાજસ્થાનમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’માં જોડાયા હતા. આ દરમિયાન રાહુલ ગાંધી સાથેની ચર્ચામાં તેમણે સ્પષ્ટતા કરી હતી કે, ‘ખાનગી ક્ષેત્રને પ્રોત્સાહન આપવું પડશે કારણ કે દરેકને સરકારી નોકરી મળી શકતી નથી.’ જો ટેક્નોલોજીકલ હસ્તક્ષેપ વધારવામાં આવે તો કૃષિ ક્ષેત્રમાં નોકરીઓનું સર્જન થઈ શકે છે. રાજને નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો માટે અનુકૂળ વાતાવરણ બનાવવા અને ટકાઉ ઊર્જાના ક્ષેત્રમાં હરિયાળી ક્રાંતિને પ્રોત્સાહન આપવાની પણ હિમાયત કરી હતી. દેશમાં આગામી ક્રાંતિ સર્વિસ સેક્ટરમાં થઈ શકે છે.
આ સાથે તેમણે વૃદ્ધિદરના માપદંડો વિષે કહ્યું હતું કે, તમે તેને કેવી રીતે માપો છો તે મહત્ત્વનું છે. જો ગત વર્ષના સૌથી ખરાબ ક્વાર્ટર પ્રમાણે જુઓ તો આ વિકાસદર ઘણો જ સારો લાગશે પરંતુ હકીકત એ છે કે 2019માં મહામારી ફેલાઈ તે પૂર્વેની સ્થિતિ સાથે વર્તમાન પરિસ્થિતિને જોઈએ તો સાચો વૃદ્ધિદર માત્ર બે ટકા જ છે. આ દર આપણા માટે અત્યંત નીચો છે. આ વૃદ્ધિ દર ઘટવાનું કારણ પૂછતાં તેમણે કહ્યું કે કોરોના મહામારી, સમસ્યાનો એકભાગ માત્ર છે. હકીકતમાં તો મહામારી શરૂ થઇ તે અગાઉથી જ મંદ ગતિ શરૂ થઈ ગઈ હતી. કારણ કે નિકાસ માટે જરૂરી સુધારાઓ જ આપણે કર્યા નથી.