સરકારે પાર્ટી પ્લોટ, ક્લબ્સ કે ફાર્મ હાઉસમાં નવા વર્ષની ઉજવણી કરવા માટે રોક લગાવી દીધી છે. પોલીસે અમદાવાદના વિવિધ પાર્ટી પ્લોટ, ક્લબો અને ફાર્મ હાઉસ પર જડબેસલાક બંદોબસ્ત સાથે પેટ્રોલિંગની તૈયારી કરી છે. શહેરભરમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત અંદાજે ૪૦૦૦ જેટલા પોલીસ આવી ઉજવણી પર ચાંપતી નજર રાખશે. અમદાવાદ શહેરમાં પ્રવેશવાના ૨૮ પોઈન્ટ પર પોલીસે સઘન ચેકિંગની વ્યવસ્થા કરી છે.
થર્ટી ફર્સ્ટને પગલે અમદાવાદમાં ક્યાય પણ ઉજવણી ન થાય તે માટે પોલીસે જડબેસલાક વ્યવસ્થા ગોઠવી છે. શહેરમાં બપોરે કે રાત્રે ક્યાંય પણ થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવા દેવાશે નહી.
પોલીસે જણાવ્યું હતું કે કોઈપણ વ્યક્તિ દારુ પીતા પકડાશે તો તેના બ્લ્ડ સેમ્પલ લઈને તેની વિરુધ્ધ કાર્યવાહી કરવામાં આવશે, રાત્રે 10 વાગ્યા પછી શહેરમાં કરફ્યુનો અમલ શરુ થતો હોવાથી પોલીસે વિશેષ પેટ્રોલિંગની વ્યવસ્થા કરી છે. જો કોઈપણ વ્યક્તિ મહત્ત્વના કારણ વગર બહાર નીકળી હશે તો તેની વિરુધ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધવામાં આવશે. પોલીસે લોકોને ક્યાંય પણ બહાર ગયા હોય તો રાત્રે ૧૦ વાગ્યા પહેલા ઘરે આવી જવા જણાવ્યું છે. આ વર્ષે કોરોનાની મહામારીને કારણે દર વર્ષ કરતા વધુ પોલીસ ફોર્સ ફરજ પર હાજર હશે.