કોરોના અને ઓમિક્રોનના કેસોમાં ઉછાળાને પગલે મહારાષ્ટ્ર સરકારે નવા વર્ષની તમામ ઉજવણી નવા નિયંત્રણો લાદ્યા છે. સરકારે 60 વર્ષથી વધુ ઉંમરના લોકો અને 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ઘરમાં જ રહેવાની સલાહ આપી છે. મહારાષ્ટ્રમાં કોરોનાના કેસની સંખ્યા વધીને 2,500 થઈ છે.
તમામ સભાગૃહ અથવા બંધ હોલમાં જાહેર કાર્યક્રમોમાં 50 ટકા ક્ષમતાનો જ ઉપયોગ કરી શકાશે. ખુલ્લી જગ્યાઓ પર 25 ટકા સુધીની કેપેસિટીને આધારે લોકોને મંજૂરી આપી શકાશે. 2022ના નવા વર્ષને આવકારવા માટે શુક્રવાર-શનિવારે ફટાકડા ફોડી શકાશે નહીં.
સત્તાવાર જાહેરનામા મુજબ સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવી રાખવા તમામ પગલાં લેવાના રહેશે. ગેટ ઓફ ઇન્ડિયા, મરિન ડ્રાઇવ, ગીરગાંવ અને જુહુ બીચ તથા બીજા તમામ બીચ, ગાર્ડન, મેદાનો વગેરે જેવા નવા વર્ષની ઉજવણીના જાહેર સ્થળોમાં લોકોના ટોળાને મંજૂરી મળશે નહીં.
60 વર્ષથી વધુ ઉંમરના નાગરિકો અને 10 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને આરોગ્ય અને સુરક્ષાના કારણોસર ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે. સરકારે કોઇપણ પ્રકારના ધાર્મિક કે સાંસ્કૃતિક કાર્યક્રમો પર પર પ્રતિબંધ મૂક્યો છે. નવા વર્ષે ધાર્મિક સ્થળોની મુલાકાત ટાળવાની અને ટોળું એકઠુ ન કરવાની પણ સલાહ આપવામાં આવી છે.
મુંબઈમાં છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા કેસ બમણા થયા છે. મંગળવારે કોરોનાના નવા કેસની સંખ્યા 1,333 નોંધાઈ હતી, જે બુધવારે વધીને 2,510 થઈ હતી. આ ઉપરાંત એક વ્યક્તિનું મોત થયું હતું. હાલમાં કોરોના રિકવરી રેટ 97 ટકા છે. મુંબઈમાં સીલ કરવામાં આવેલી બિલ્ડિંગની સંખ્યા વધીને 45 થઈ છે. કોરોના કેસોમાં વધારો થતાં એક ઝુંપડપટ્ટી વિસ્તારને એક્ટિવ કન્ટેનમેન્ટ ઝોન જારી કરાયો છે.
દેશમાં ઓમિક્રોનના કેસ વધી 810 થયા
દેશમાં ઓમિક્રોનના કુલ કેસ વધીને 810 થયા છે. દિલ્હી હવે ઓમિક્રોન કેસોના સંદર્ભમાં ટોચના સ્થાને આવું ગયું છે. દિલ્હીમાં ઓમિક્રોનના 238 કેસ થયા છે. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં 167 કેસ નોંધાયા છે. ગુજરાત 97 કેસો સાથે ઓમિક્રોનના કેસના સંદર્ભમાં ત્રીજા સ્થાને છે.