યુકે સરકારે વિદેશી હેલ્થ સહાયકો અને કેર ટેકર્સને આકર્ષવા માટે વિઝા નીતિમાં છૂટછાટો જાહેર કરી છે. કેર સેક્ટર્સમાં પ્રવર્તી રહેલી સહાયકોની અછતને પૂર્ણ કરવા માટે વિદેશી કેરટેકર્સને એક વર્ષ માટે યુકેના વિઝા મળશે. હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે જણાવ્યું હતું કે નવી વિઝા નીતિથી દેશમાં કેરટેકર્સની અછત ઘટશે.
પ્રીતિ પટેલે જણાવ્યું હતું કે, કેર સેક્ટરમાં અત્યારે સહાયકોની અછત જોવા મળી રહી છે. તેના કારણે અસંખ્ય લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. એ અછતને પહોંચી વળવા માટે સરકારની નવી વિઝા નીતિ ખૂબ જ અસરકારક સાબિત થશે. વિઝા નીતિમાં છૂટછાટોને કારણે કેર સેક્ટર્સ પર આવેલું કામનું દબાણ ઓછું થશે.
પ્રીતિ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, નેશનલ હેલ્થ સર્વિસ, ડોમેસ્ટિક મદદગારો, કેર ટેકર્સમાં વિદેશી નાગરિકો સામેલ થશે તો સરકાર તેમને વિવિધ સુવિધા આપશે. ખાસ તો કોરોના મહામારીના કારણે અશક્ત બનેલા બ્રિટનના સીનિયર સિટિઝન વિદેશી સહાયકોની ભરતી કરી શકશે. આરોગ્ય વિભાગના અધિકારીઓ, ગૃહ વિભાગના અધિકારીઓ અને સુરક્ષા સલાહકારો સાથે ચર્ચા કરીને આ નિર્ણય લીધો હોવાનું તેમણે કહ્યું હતું.
હેલ્થ સેક્રેટરી સાજિદ જાવિદે જણાવ્યું હતું કે સરકારના આ પગલાંથી રોગચાળા દરમિયાન અને તે પછી સામાજિક સંભાળના ક્ષેત્રમાં મોટી રાહત થશે. આગામી સમયમાં પણ સરકાર એ દિશામાં યોગ્ય પગલાં ભરીને સહાયકોની અછત દૂર કરવા કટિબદ્ધ છે.
બ્રિટનમાં બ્રેક્ઝિટ પછી કેર સેક્ટરમાં સહાયકોની અછત જોવા મળી હતી. બ્રિટનમાં રહેતા સહાયકો બ્રેક્ઝિટ પછી સ્વદેશ જતા રહ્યા હતા. તેના કારણે બ્રિટનના હેલ્થ સેક્ટર, સામાજિક સેક્ટર ઉપરાંત ઘરેલું સહાયકોની અછત ઊભી થઇ હતી. એટલું જ નહીં, સરકારી વાહનોના ડ્રાઇવરોની પણ ભારે અછત છે. આવા સંજોગોમાં બ્રિટિશ સરકાર કેર સહાયક અને ડ્રાઇવરોની વધુ સંખ્યામાં ભરતી કરશે.