અમેરિકામાં ટ્રમ્પ એડિમિનિસ્ટ્રેશને તાજેતરમાં જાહેર કરવામાં આવેલી નવી વીસા નીતિની વિરુદ્ધમાં જુદી જુદી ટેકનોલોજી કંપનીઝ અને વિવિધ રાજ્યોએ આકરું વલણ અપનાવ્યું છે. ગૂગલ, ફેસબુક, માઇક્રોસોફ્ટ સહિતની 10થી વધુ ટેકનોલોજી કંપનીઝ અને 17 રાજ્યોએ વીસા નીતિના મામલે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન સામે કેસ દાખલ કર્યો છે. યુએસ ચેમ્બર ઓફ કોમર્સ પણ સરકાર વિરૂદ્ધ આ કેસમાં સામેલ થઈ છે.
આ કંપનીઝ અને રાજ્યોએ ડિસ્ટ્રિક્ટ કોર્ટ ઓફ મેસેચ્યુસેટસમાં કેસ દાખલ કર્યો છે. આ કેસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી (DHS) અને અમેરિકન ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ્સ એન્ફોર્સમેન્ટ વિરુદ્ધ છે. ટેક કંપનીઝની દલીલ છે કે, આ નવી વીસા નીતિ ક્રુર અને ગેરકાયદે છે. કંપનીઝે આ નીતિ પર સંપૂર્ણ રદ્ કરવા માગણી કરી છે. અરજદારોએ કોર્ટમાં આ નવા આદેશો સામે તાત્કાલિક કામચલાઉ મનાઈહુકમ તેમજ પ્રિલિમિનરી ઈન્જક્શનની પણ રજૂઆત કરી છે.
અરજદારોએ એવી પણ રજૂઆત કરી છે કે વિદેશી વિદ્યાર્થીઓ અમેરિકાના અર્થતંત્રમાં પણ નોંધપાત્ર પ્રદાન કરે છે અને વિદ્યાર્થીઓ તરીકે તેમજ અભ્યાસ પુરો કર્યા પછી ગ્રેજ્યુએટ્સ તરીકે પણ તેઓ અમેરિકન બિઝનેસીઝ માટે કર્મચારીઓ તરીકેનો સારો સ્ત્રોત બની રહે છે.
થોડા દિવસ અગાઉ ઇમિગ્રેશન એન્ડ કસ્ટમ એન્ફોર્સમેન્ટ ડીપાર્ટમેન્ટ દ્વારા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, જેમના ફક્ત ઓનલાઇન ક્લાસીસ ચાલે છે તેવા નોન-ઇમિગ્રન્ટ એફ-1 અને એમ-1 કેટેગરીના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે નહીં.
આ વીસા નીતિના વિરોધમાં હાર્વર્ડ યુનિવર્સિટી અને મેસેચુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી સાથે 60થી વધુ યુનિવર્સિટીઝે પણ કેસ દાખલ કર્યો છે. શૈક્ષણિક વર્ષ 2018-19માં અમેરિકામાં 10 લાખથી વધુ વિદેશી વિદ્યાર્થીઓ હતા. એકલી મેસેચ્યુસેટ્સમાં જ 77 હજારથી વધુ વિદેશી વિદ્યાર્થીઓ છે, જે દર વર્ષે અમેરિકાના અર્થતંત્રમાં 3.2 બિલિયન ડોલરનું યોગદાન આપે છે.
સ્ટુડન્ટ એન્ડ એક્સચેન્જ વિઝિટર પ્રોગ્રામ (SEVP) અનુસાર આ વર્ષે જાન્યુઆરીમાં કુલ 1,94, 556 ભારતીય વિદ્યાર્થીઓએ અમેરિકાની જુદી જુદી શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ મેળવ્યો હતો, જેમાં 1,26,132 વિદ્યાર્થીઓ અને 68, 405 વિદ્યાર્થિનીઓ હતી. નવી વીસા નીતિના અમલથી ભારતીય વિદ્યાર્થીઓ પણ અસર પામશે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશને 6 જુલાઇના રોજ નવી વીસા નીતિ જાહેર કરી હતી.
જેમાં વિદેશી વિદ્યાર્થીઓ માટે ક્લાસરૂમ શિક્ષણ ફરજિયાત બનાવવામાં આવ્યું હતું. નવી નીતિમાં જણાવવામાં આવ્યું હતું કે, જે વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં અભ્યાસ નહીં કરે તેમના વીસા રદ્ કરવામાં આવશે. અને જે વિદ્યાર્થીઓ ઘરે બેસીને ઓનલાઇન અભ્યાસ કરશે તેમને અમેરિકા છોડવું પડશે.