બ્રિટનથી ભારત આવેલા 20 લોકો નવા વાઇરસથી સંક્રમિત હોવાનું બહાર આવ્યું છે. નવા વાઇરસથી સંક્રમિત લોકોને રાજ્ય સરકારોના ખાસ હેલ્થ કેર સેન્ટરમાં સિંગલ રૂમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે અને તેમના સંપર્કમાં આવેલા લોકોને પણ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યાં છે, એમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે બુધવારે જણાવ્યું હતું.
બુધવારે 13 નવા દર્દી મળ્યા હતા. કોરોનાના નવા સ્ટ્રેનના કેસ કયાં રાજ્યોમાંથી મળ્યા છે એ હજી સ્પષ્ટ થયું નથી. મંગળવારે નોંધાયેલા સાત દર્દીમાંથી 1-1 યુપી, તામિલનાડુ, આંધ્રપ્રદેશ અને તેલંગાણાના હતા, જ્યારે ત્રણ કર્ણાટકના છે.
બ્રિટનમાંથી પરત ફરેલી આંધપ્રદેશની એક મહિલામાં કોરોનાનો નવો સ્ટ્રેન હોવાનું બહાર આવ્યું હતું. 21 ડિસેમ્બરે દિલ્હી એરપોર્ટ પર ઉતર્યા પછી તેને આઈસોલેશન સેન્ટરમાં મોકલવામાં આવી હતી. ત્યાંથી તે ભાગીને સ્પેશિયલ ટ્રેનથી પોતાના ઘરે રાજમુદરી પહોંચી હતી. મહિલાની સાથે તેનો પુત્ર પણ હતો. જોકે તેના પુત્રનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.
નવા સ્ટ્રેનના કેસ પ્રકાશમાં આવ્યા પછી કેન્દ્ર સરકાર એલર્ટ મોડમાં આવી ગઈ છે. ભારતના આરોગ્ય મંત્રાલયે મંગળવારે જણાવ્યું હતું કે 9થી 22 ડિસેમ્બરની વચ્ચે ભારત આવેલા અને કોરોના પોઝિટિવ હોય તેવા તમામ ઈન્ટરનેશનલ પેસેન્જર્સનો જીનોમ સિક્વેન્સિંગ ટેસ્ટ થશે.
25 નવેમ્બરથી 22 ડિસેમ્બરની વચ્ચે બ્રિટનથી લગભગ 33 હજાર મુસાફરો ભારત આવ્યા છે. તેમાંથી બુધવાર સુધીમાં 114 લોકોનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. કેટલાંક વધુ સેમ્પલ્સમાં નવા જીનોમ હોવાનું જાણવા મળ્યું છે.