ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ધાનેરા ખાતે 54 ગામ આંજણા ચૌધરી સમાજની બેઠકમાં યુવાનો પર ફેશનબેલ દાઢી રાખવા પર પ્રતિબંધ મૂકવાનો ઠરાવ પસાર કરાયો છે. જો યુવાનો આવી દાઢી રાખશે તો રૂ.51,000નો દંડ થશે. સમાજની બેઠકમાં કુલ 22 પ્રગતિશીલ સુધારા કરવામાં આવ્યા છે. ઉત્તર ગુજરાતમાં આંજળા ચૌધરી સમાજ રાજકીય રીતે પણ પ્રભાવશાળી છે. “ફેશનેબલ” દાઢી, જન્મદિવસની ઉજવણીમાં કેક અને લગ્નમાં ડિસ્ક જોકી (ડીજે) પર પ્રતિબંધ જેવા નિયમો બનાવવામાં આવ્યા છે.
આ બનાસકાંઠાના ધાનેરા તાલુકામાં ચૌધરી સમુદાયના શ્રી ધાનેરા તાલુકા યુવક પ્રગતિ મંડળ (SDTYP)એ સામાજિક સુધારા લાવવાના માટે આ નિયમો બનાવ્યા છે. SDTYP પ્રમુખ રાયમલભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે અમારા સમુદાયે તેના પર દાઢી રાખવા પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય કર્યો છે કારણ કે યુવાનોએ દાઢી રાખવાનું શરૂ કર્યું છે અને કોઈ ઓળખી શકતું નથી કે તેઓ ચૌધરી સમુદાયના છે કે નહીં. ક્લીન શેવ ધરાવતા લોકો એ આપણા સમુદાયની ઓળખ છે.
ધાનેરા ખાતે આવેલી કોલેજના કેમ્પસમાં યોજાયેલી આ બેઠકમાં આંજણા ચૌધરી સમાજના આગેવાનો, વડીલો અને યુવાનો હાજર રહ્યા હતા. શિકારપુરા ધામના ગાદિપતિ દયારામ મહારાજે કહ્યું કે, દાઢી રાખવી એ હિન્દુ ધર્મમાં સંત-મહાત્માઓનું કામ છે. યુવાનો આવી દાઢી રાખે તે સમાજને ન શોભે તેથી દાઢી રાખવી જોઈએ નહીં.
સમાજના પ્રમુખ રાયમલ પટેલે બેઠકમાં જણાવ્યું હતું કે આંજણા સમાજમાં વ્યસનો બંધ કરવા જોઈએ. પ્રસંગમાં થતા ખોટા ખર્ચા પણ બંધ કરવા જોઈએ. મરણ પ્રસંગમાં અફીણ પ્રથાને પણ નાબૂદ કરવી જોઈએ. સમાજમાં અફીણ પ્રથા ચાલુ રહેશે તો રૂ.1 લાખ દંડ. લગ્નમાં દીકરીને પેટી ભરવામાં રૂ.51000થી વધારે નહીં આપવા, લગ્નમાં વોનોળા પ્રથા બંધ, ભોજન સમારંભમાં પૌષ્ટીક આહાર, લગ્નમાં પીરસવા ભાડૂતી માણસો નહીં, મરણમાં બહેનોના રૂપિયા ન લેવા કે ન આપવા, મરણના બારમાના દિવસે રાવણું કરી પછી કોઈએ જવું નહીં સહિતના નિયમો બનાવાયા છે.