ભારતે ફેસબુક અને ટ્વીટર જેવી સોસિયલ મીડિયા કંપનીઓના નિયમન માટે ગુરુવારે નવા નિયમોની જાહેરાત કરી હતી. અગ્રણી ટેકનોલોજી કંપનીઓ પર અંકુશને વધુ કડક કરવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના આ નવા પ્રયાસો છે. ખેડૂતોના આંદોલન સંબંધિત કન્ટેન્ટને દૂર કરવાના સરકારના આદેશની ટ્વીટરે અગવણના કર્યા બાદ સરકારે આ નિયમો જાહેર કર્યા છે.
નવા નિયમો મુજબ મોટી સોસિયલ મીડિયા કંપનીઓએ ફરિયાદ નિવારણ વ્યવસ્થાતંત્રની સ્થાપના કરવી પડશે તથા કાયદાનો અમલ કરતી એજન્સીઓ સાથે સંકલન માટે એક્ઝિક્યુટિવ્સની નિમણુક કરવી પડશે. 24 કલાકમાં ફરિયાદને ધ્યાનમાં લેવી પડશે અને 14 દિવસમાં તેનો નિકાલ લાવવાનો રહેશે.જો યૂઝર્સ ખાસ કરીને મહિલાઓની માન-મર્યાદા સાથે ચેડાં થયા હોવાની ફરિયાદ થઈ તો 24 કલાકમાં કન્ટેન્ટ ડિલીટ કરવું પડશે.
નવા નિયમો મુજબ સોશિયલ મીડિયા કંપનીઓએ ચીફ કમ્પ્લાયન્સ ઓફિસર રાખવો પડશે, જે ભારતનો નિવાસી હોવો જોઈએ. એક નોડલ કોન્ટેક્ટ પર્સન રાખનો પડશે જે 24 કલાક કાનૂની એજન્સીઓના સંપર્કમાં રહેશે. કંપનીઓએ માસિક કમ્પ્લાયન્સ રિપોર્ટ જારી કરવો પડશે. સોશિયલ મીડિયા પર કોઈ અટકચાળો કે હરકત સૌથી પહેલા કોણે કરી તે સોશિયલ મીડિયા કંપનીએ જણાવવું પડશે.
દરેક સોશિયલ મીડિયા કંપનીનું ભારતમાં એક એડ્રેસ હોવું જોઈએ. દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પાસે યૂઝર્સ વેરિફિકેશનની વ્યવસ્થા હોવી જોઈએ. સરકારે જણાવ્યું હતું કે દુરુપયોગ અને ઉશ્કેરણીજનક કન્ટેન્ટ માટે સોસિયલ મીડિયા અને બીજી કંપનીઓને જવાબદાર ગણવા માટે ડિજિટલ મીડિયા માટે ગાઇડલાઇન્સની જરૂર છે.
નવા નિયમોની માહિતી આપતા ભારતના ઇન્ફર્મેશન ટેકનોલોજી પ્રધાન રવિશંકર પ્રસાદે જણાવ્યું હતું કે સોસિયલ મીડિયા કંપનીઓ વધુ જવાબદાર બનવી જોઇએ. આ ગાઇડલાઇનની વિગતવાર માહિતી પછીથી જાહેર કરવામાં આવશે અને ત્રણ મહિના પછી અમલી બનશે. જોકે આ અંગેની કોઇ ચોક્કસ તારીખ આપવામાં આવી નથી.
કોડ ઓફ એથિક્સ અને ત્રિસ્તરીય ફરિયાદ નિવારણ સિસ્ટમ ન્યૂઝ પબ્લિશર્સ, ઓવર ધ ટોપ (ઓટીટી) પ્લેટફોર્મ અને ડિજિટલ મીડિયાને લાગુ પડશે. સરકારે જણાવ્યું હતું કે ઓટીસી પ્લેટફોર્મ (નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઇમ વિડિયો જેવા)એ વયના આધારે કન્ટેન્ટને પાંચ કેટેગરીમાં વર્ગીકૃત કરવું પડશે. આ કેટેગરીમાં U (Universal), U/A 7+ (years), U/A 13+, U/A 16+, and A (Adult)નો સમાવેશ થાય છે. આવા પ્લેટફોર્મે પેરેન્ટલ લોક રાખવું પડશે.