ભારતમાં કોરોના મહામારીના પ્રકોપમાં ફરી વધારાને પગલે મહારાષ્ટ્ર, કેરળ, ગુજરાત અને પંજાબ, મહારાષ્ટ્ર, કર્ણાટક જેવા મહત્ત્વના રાજ્યોમાં વિવિધ પ્રકારના નિયંત્રણો લાદવામાં આવ્યા હતા. મહારાષ્ટ્રના નાગપુર, અકોલા, પૂણે સહિતના આશરે સાત જિલ્લામાં નાઇટ કરફ્યૂ, સંપૂર્ણ લોકડાઉન જેવા પગલાં લેવામાં આવ્યા હતા. પંજાબના સાત જિલ્લામાં પણ નાઇટ કરફ્યૂનો નિર્ણય કરાયો હતો. કોરોનાના સ્થિતિની સમીક્ષા કરવા માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે, 17 માર્ચે તમામ રાજ્યોના મુખ્યપ્રધાનો સાથે બેઠક બોલાવી હતી.
ગુજરાત સરકારે 17 માર્ચથી 31 માર્ચ 2021 સુધી ચાર મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાત્રે 10થી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કરફ્યૂનો અમલ કરવાનો મંગળવારે નિર્ણય કર્યો હતો. સરકારના નિર્ણયને પગલે ST દ્વારા પણ નિર્ણય લેવામાં આવ્યો હતો કે ચારેય શહેરોમાં બસ રાતના 10 વાગ્યા બાદ પ્રવેશ નહી કરે. અમદાવાદ શહેરમાં વધી રહેલા કોરોનાના કેસોને કારણે 8 વિસ્તારમાં રાત્રે 10 વાગ્યા પછી હોટલ, રેસ્ટોરન્ટ, ખાણીપીણી બજાર, મોલ, ગલ્લા, ટી સ્ટોલ બંધ રાખવાનો સોમવારે નિર્ણય કર્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશના નિર્ણય મુજબ જોધપુર, સાઉથ બોપલ, નવરંગપુરા, બોડકદેવ, થલતેજ, ગોતા પાલડી, ઘાટલોડિયા અને મણિનગરમાં રાતના 10 વાગ્યા પછી હોટલ-રેસ્ટોરન્ટ બંધ રહેશે. તેમજ શહેરમાં માણેકચોક અને રાયપુર ખાણીપીણી બજાર પણ બંધ રહેશે. ગુજરાતમાં કોરોનાના કેસોમાં મોટો વધારો થતાં ગુજરાત ક્રિકેટ એસોસિયેશન અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલી પાંચ ટી-20 ક્રિકેટ મેચ સિરીઝની બાકી રહેલી ત્રણ ટી-20 મેચ પ્રેક્ષકો વગર જ રમાડવાનો સોમવારે નિર્ણય કર્યો હતો.
મધ્યપ્રદેશ સરકારે રાજધાની ભોપાલ અને ઇન્દોરમાં 17 માર્ચથી અનિશ્ચિત મુદત માટે નાઇટ કર્ફ્યુ લાદવાનો મંગળવારે નિર્ણય કર્યો કર્યો હતો. આ ઉપરાંત રાજ્યના આઠ શહેરોમાં બજારો રાત્રે 10 વાગ્યાથી બંધ કરાવવામાં આવશે તથા મહારાષ્ટ્રમાંથી મધ્યપ્રદેશ આવતા લોકોનું થર્મલ સ્કેનિંગ શરૂ રહેશે અને તેવા લોકોને એક અઠવાડિયા સુધી આઇસોલેશનમાં રહેવું પડશે.
મહારાષ્ટ્રમાં કોરોનાના કેસોમાં આવેલા ઉછાળાને પગલે સરકારને કેટલાક વિસ્તારોમાં ફરીથી લોકડાઉન લાગુ કરવાની ફરજ પડી હતી. મહારાષ્ટ્રમાં નાગપુર બાદ અકોલામાં શુક્રવારે રાત્રીના 8 વાગ્યાથી સોમવારના સવારના 8 વાગ્યા સુધી લોકડાઉન લાગુ કરાયું હતું. પુણેમાં રાત્રીના 11 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી નાઈટ કરફ્યૂ લાગુ કરાયો હતો. નાગપુરમાં 15 માર્ચથી 21 માર્ચ સુધી લોકડાઉનની જાહેરાત થઈ હતી અને ફક્ત આવશ્યક ચીજવસ્તુઓ જ ઉપલબ્ધ બની હતી. નાગપુરમાં એક સપ્તાહના કરફ્યુ અને લોકડાઉનનો અમલ કરવા માટે આશરે 3,000 પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા. થાણેમાં 16 હોટસ્પોટમાં 31 માર્ચ સુધી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. રાજ્યના મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરેએ ચેતવણી આપી હતી કે જો કોરોનાના કેસો વધવાનું બંધ નહીં થાય તો કેટલાક સ્થળે લોકડાઉન લાગુ થઈ શકે છે.
પંજાબના અમૃતસરમાં કોઇ પણ સમારંભમાં હાજરી આપવા માટે કોવિડ-19 નેગેટિવ ટેસ્ટ અથવા વેક્સીનેશનના પ્રુફને ફરજિયાત કરવામાં આવ્યું હતું. કોરોના વાઇરસના ફેલાવાને અંકુશમાં લેવા માટે સ્થાનિક વહીવટીતંત્રે રવિવારે આ નિર્ણય કર્યો હતો. રાજ્યમાં સામાજિક, ધાર્મિક, સ્પોર્ટસ, મનોરંજન, સાંસ્કૃતિક સહિતના તમામ સમારંભમાં 100 (ઇન્ડોર) અને 200 લોકો (આઉટડોર)ની મર્યાદાનું કડક પાલન કરાવવામાં આવશે. સોસિયલ ડિસ્ટન્સિંગ અને બીજા નિયમોનું પાલન કરતાં લોકોને પણ દંડ કરવામાં આવશે.
કર્ણાટકમાં પણ મુખ્યપ્રધાને લોકો સહકાર નહીં આપે તો લોકડાઉન લાદવાની ચેતવણી આપી હતી. ભારતમાં સતત છઠ્ઠા દિવસે મંગળવાર, 16 માર્ચે કોરોના વાઇરસના 20,000થી વધુ કેસ નોંધાયા હતા, જે વર્ષના પ્રારંભમાં 10,000થી પણ ઓછા હતા. મંગળવારે કોરોનાના નવા 24,492 કેસ સાથે કુલ આંકડો વધીને 1.14 કરોડ થયો હતો, જ્યારે એક દિવસમાં 131 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક વધીને 1,58,856 થયો હતો. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 2,23,432 રહી હતી, જે કુલ કેસના 1.96 ટકા છે. દેશમાં અત્યાર સુધી 1.10 કરોડ લોકો કોરોનામાંથી રિકવર થયા છે. કોરોના વાયરસની સ્થિતિ મહારાષ્ટ્રમાં સૌથી વધારે કથળેલી હતી.
|