ઐતિહાસિક નેતૃત્વની દોડમાં કન્ઝર્વેટિવ પાર્ટીના નવા નેતા તરીકે ચૂંટાયાના એક દિવસ પછી, કિંગ ચાર્લ્સ III સાથેના ઓડીયન્સ બાદ તાજેતરની “ભૂલો” સુધારવાના વચન સાથે ઋષિ સુનકે મંગળવારે તા. 25ના રોજ બ્રિટનના પ્રથમ ભારતીય મૂળના વડા પ્રધાન તરીકે ચાર્જ સંભાળ્યો હતો. ઇન્વેસ્ટમેન્ટ બેન્કરમાંથી રાજકારણી બનેલા અને છેલ્લા 210 વર્ષમાં 42 વર્ષની સૌથી યુવાન વયે બ્રિટિશ વડા પ્રધાન બનેલા સુનક બ્રિટનના પ્રથમ હિન્દુ વડાપ્રધાન પણ છે.
જોન્સને ટ્વિટ કરી જણાવ્યું હતું કે “આ ઐતિહાસિક દિવસે @RishiSunak ને અભિનંદન, આ દરેક કન્ઝર્વેટિવ માટે અમારા નવા PMને તેમને સંપૂર્ણ અને પૂરા દિલથી સમર્થન આપવાની ક્ષણ છે.”
ઋષિ સુનકે આજે સવારે કિંગ ચાર્લ્સની મુલાકાત માટે બકિંગહામ પેલેસ ખાતે પહોંચ્યા હતા. જ્યાં કિંગે તેમને યુકેના 57માં વડા પ્રધાન તરીકે અને માત્ર સાત અઠવાડિયામાં ત્રીજા વડા પ્રધાન તરીકે સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું હતું.
પેલેસ દ્વારા એક નિવેદનમાં કહેવાયું હતું કે, “રાઈટ ઓડિયન્સ, ધ રાઈટ ઓનરેબલ ઋષિ સુનક, એમપીને આજે મળ્યા હતા અને તેમને એક નવી સરકાર બનાવવા વિનંતી કરી હતી. શ્રી સુનકે મહામહિમની આ ઓફર સ્વીકારી હતી અને વડા પ્રધાન અને ફર્સ્ટ લોર્ડ ઓફ ધ ટ્રેઝરી તરીકે તેમની નિમણૂક માટે હાથ ચુંબન કર્યું હતું.”
વડા પ્રધાન સુનકે 10 ડાઉનિંગ સ્ટ્રીટના પગથિયાં પર વડા પ્રધાન તરીકે તેમનું પ્રથમ સંબોધન કર્યું હતું. જો કે તેમની પત્ની અક્ષતા મૂર્તિ અને પુત્રીઓ ક્રિષ્ના અને અનુષ્કા અપેક્ષા મુજબ જોડાયા ન હતા. ત્યારબાદ તેઓ 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે અધિકારીઓ સાથે બેઠકો શરૂ કરવા અંદર ગયા હતા. જ્યાં તેમણે ચાન્સેલર, ફોરેન અને હોમ સેક્રેટરી સહિત તેમની કેબિનેટને અંતિમ સ્વરૂપ આપ્યું હતું.