વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં નવા સંસદ ભવનનો ગુરુવારે શિલાન્યાસ કર્યો હતો.સરકારની મહત્ત્વકાંક્ષી સેન્ટ્રલ વિસ્ટા યોજનાના ભાગરૂપે નવા સંસદ ભવનનું નિર્માણ કરવામાં આવશે. નવું સંસદ ભવન ત્રિકોણ આકારનુ હશે. વડાપ્રધાન મોદીએ શાસ્ત્રક્ત વિધિ સાથે સંસદના નવા બિલ્ડિંગ નિર્માણ માટે શિલાન્યાસ ભૂમિપૂજન કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય પ્રધાનો, સાંસદો, વિદેશી એલજી, ધર્મગુરુઓ, ઉદ્યોગપતિ રતન ટાટા સહિત આશરે 200 હસ્તીઓ હાજર રહી હતી. નવા સંસદ ભવન માટેનો કોન્ટ્રાક્ટ ટાટા પ્રોજેક્ટ્સને આપવામાં આવેલો છે.
નવું સંસન ભવન 2022 સુધીમાં તૈયાર થશે. તેમાં લોકસભાના સાંસદો માટે અંદાજે 888 અને રાજ્યસભાના સાંસદો માટે 326થી વધારે સીટ રાખવામાં આવશે. પાર્લમેન્ટરી હોલમાં કુલ 1,224 સભ્ય એકસાથે બેસી શકશે. પ્રોજેક્ટ પર રૂ. 865 કરોડ ખર્ચ કરવામાં આવશે. નવી સંસદ રાજ્યના પ્લોટ નંબર 118 પર બનાવવામાં આવશે. આ સમગ્ર પ્રોજેક્ટની ડિઝાઈન આર્કિટેક્ટ બિમલ પટેલે કરી છે. પ્રોજેક્ટ અંતર્ગત નવી સંસદ ઉપરાંત, ઈન્ડિયા ગેટની આસપાસ 10 ઇમારત બનાવવામાં આવશે, જેમાં 51 મંત્રાલયની કચેરીઓ હશે.
પર્યાવરણી મુદ્દાને આધારે આ પ્રોજેક્ટ્સ સામે સુપ્રીમ કોર્ટમાં વિવિધ પિટિશનની સુનાવણી થઈ રહી હોવાથી નવા બિલ્ડિંગનું નિર્માણ કાર્ય ચાલુ થઈ શકશે નહીં, પરંતુ વડાપ્રધાને પ્રતિકાત્મક શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટમાં સંસદ ભવન બનાવવાની સાથે સાથે રાષ્ટ્રપતિ ભવનથી ઈન્ડિયા ગેટ સુધીના ત્રણ કિલોમીટર લાંબા રાજપથની બંને તરફ આવેલા વર્તમાન સરકારી કાર્યાલયો અને નિવાસસ્થાનોને હટાવીને સંયુક્ત કેન્દ્રીય સચિવાલય અને બીજી ઈમારતોનુ બાંધકામ કરવામાં આવશે.
હાલમાં જ્યાં સંસદ ભવન પરિસર છે ત્યાં જ સંસદની નવી ઈમારતનું પણ નિર્માણ થશે. વર્ષ 2022 સુધીમાં સંસદની નવી ઇમારતનું નિર્માણ પૂર્ણ કરવાની યોજના છે. અગાઉ આ પ્રોજેક્ટ્સ સામેની પિટિશનની સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ અંતર્ગત કન્સ્ટ્રક્શન. તોડફોડ કે ઝાડ કાપવાનું કામ ત્યાં સુધી ન થવું જોઈએ કે જ્યાં સુધી પેન્ડિંગ અરજીઓ પર અંતિમ ચુકાદો ન સંભળાવવામાં આવે, આ મુદ્દે સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટેને ભરોસો આપ્યો હતો કે કન્સ્ટ્રક્શન કે તોડ-ફોડ કરવામાં આવશે નહિ. ત્યાર બાદ સુપ્રીમ કોર્ટે ભૂમિપૂજનની પરવાનગી આપી છે.
કેંદ્રએ કોર્ટમાં કહ્યું છે કે માત્ર શિલાન્યાસ કરીશું કોઇ નિર્માણ કામ નહીં કરીએ. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે કોઇ તોડફોડ નહીં કરીએ કે વૃક્ષો નહીં કાપીએ. શરૂઆતમાં જ કોર્ટે કહી દીધુ હતું કે અમે આ કામના નિર્માણ પણ સ્ટે નથી આપી રહ્યા પણ માત્ર હાલ પુરતા કામ ન કરવા કહી રહ્યા છીએ.