પાકિસ્તાનમાં ઇમરાન ખાન સરકારના શનિવારે પતન થયા બાદ સોમવાર (11 એપ્રિલ)એ નેશનલ એસેમ્બલીમાં શાહબાઝ શરીફ દેશના નવા વડાપ્રધાન તરીકે ચૂંટાયા છે. નવા વડાપ્રધાનની ચૂંટણી પહેલા ઇમરાન ખાને સંસદના નીચા ગૃહમાંથી રાજીનામું આપ્યું હતું. ઇમરાનની પાર્ટી તહેરિક-એ-ઇન્સાફના સભ્યોએ મતદાનનો બહિષ્કાર કર્યો હતો અને અને સામુહિક રાજીનામાં આપ્યા હતા. તેનાથી શાહબાઝ શરીફ બિનહરીફ ચૂંટાઈ આવ્યા હતા. પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (પીએમએલ-એન)ના વડા શાહબાઝ શરીફને રવિવારે વડાપ્રધાનના હોદ્દા માટે નોમિનેટ કરાયા હતા
આની સાથે પાકિસ્તાનની એક સપ્તાહ લાંબી રાજકીય અને બંધારણીય કટોકટીનો હાલમાં અંત આવ્યો હતો. જોકે અણુશસ્ત્રો ધરાવતા ભારતના આ પડોશી દેશમાં રાજકીય અને આર્થિક તોફાન ચાલુ રહેવાની શક્યતા છે.
એક રાજકીય નેતા કરતાં કુશળ એડમિનિસ્ટ્રેશન તરીકે છાપ ધરાવતા 70ના વર્ષના શાહબાઝ શરીફ પાકિસ્તાનના ત્રણ વખતના વડાપ્રધાન નવાઝ શરીફના નાના ભાઈ છે. જોકે નવાઝ શરીફની સરખામણીમાં શાહબાઝ પાકિસ્તાનની ઓલ-પાવરફૂલ ગણાતી મિલિટરી સાથે સારા સંબંધો ધરાવતાં હોવાનું માનવામાં આવે છે. 220 મિલિયનની વસતિ ધરાવતા પાકિસ્તાનમાં પરંપરાગત રીતે મિલિટરી રાજકીય સત્તાનું કેન્દ્ર રહી છે.
વડાપ્રધાન તરીકે ચૂંટાયા બાદ શરીફે આર્થિક સમસ્યાનો ઉકેલ લાવવાનું વચન આપ્યું હતું. સંસદમાં પ્રથમ સંબોધનમાં તેમણે જણાવ્યું હતું કે જો આપણે ડુબતા જહાજને બચાવવું હશે તો આપણે સખત પરિશ્રમ કરવો પડશે અને એકતા રાખવી પડશે. આપણે આજે વિકાસના નવા યુગનો પ્રારંભ કરી રહ્યાં છીએ. તેમણે પાકિસ્તાનમાં ચીનના પ્રોજેક્ટ્સને વેગ આપવાની જાહેરાત કરી હતી. તેમણે અમેરિકા અને પડોશી દેશ ભારત સાથે વધુ સારા સંબંધોની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો.
નેશનલ એસેમ્બલીમાં વોટિંગ પહેલા ઇમરાન ખાનની પાર્ટીના સાંસદોએ સામુહિક રાજીનામા આપ્યા હતા. ઇમરાનની પાર્ટીના વાઇસ પ્રેસિડન્ટ અને ભૂતપૂર્વ વિદેશ પ્રધાન શાહ મહેમૂદ કુરેશીએ જણાવ્યું હતું કે અમે તમામ રાજીનામાની જાહેરાત કરીએ છીએ. આ સામુહિક રાજીનામાથીી આશરે 100 બેઠકો પર નવેસરથી ચૂંટણી યોજવી પડશે.
અગાઉ શનિવાર (9 એપ્રિલ)એ મધરાત સુધી હાઇવોલ્ટેજ ડ્રામા પછી નેશનલ એસેમ્બ્લીમાં અવિશ્વાસ દરખાસ્ત પર વોટિંગ બાદ ઇમરાન ખાન સરકારનું પતન થયું હતું. જોકે આ પહેલા ઐતિહાસિક ઘટનાક્રમ જોવા મળ્યો હતો. પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ શનિવાર રાત્રે 12 વાગ્યા સુધી અવિશ્વાસ દરખાસ્ત પર વોટિંગ કરાવવાનું હતું, પરંતુ લડાયક ઇમરાન ખાન સરકારે છેલ્લી ઘડી સુધી વોટિંગ કરાવ્યું ન હતું અને કોર્ટના આદેશના તિરસ્કારનું પણ જોખમ ઊભું થયું હતું. નેશનલ એસેમ્બલીના સ્પીકર અને નાયબ સ્પીકરના એકાએક રાજીનામા બાદ કાર્યવાહ સ્પીકરે વોટિંગ કરાવ્યું હતું જેમાં કુલ 342 સાંસદોમાંથી 174 સાંસદોએ અવિશ્વાસ દરખાસ્તની તરફેણમાં મત આપ્યો હતો અને ઇમરાન ખાન સરકારનું આખરે પતન થયું હતું. વડાપ્રધાનને દૂર કરવા માટે 172 સભ્યોની જરૂર હતી. ઇમરાનની પાર્ટીના સભ્યો મતદાન પહેલા જ ગૃહમાંથી નીકળી ગયા હતા.