અમેરિકામાં ન્યૂ મેક્સિકો રાજ્યની રાજધાની સાન્ટા ફેમાં લોકપ્રિય ઇન્ડિયન રેસ્ટોરાં પરના ગયા વર્ષના હુમલાની તપાસ ફેડરલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (એફબીઆઇ)ને સોંપવામાં આવી છે.
જૂન 2020માં તોફાની તત્વોએ ઇન્ડિયા પેલેસ નામની રેસ્ટોરાના કિચન, ડાઇનિંગ રૂમ, સ્ટોરેજ એરિયાને નુકસાન કર્યું હતું અને દિવાલ પર સ્પ્રેથી “ટ્રમ્પ 2020” લખ્યું હતું. તોફાની તત્વોએ રેસ્ટોરાના શીખ માલિકો વિરુદ્ધમાં વંશિય ટીપ્પણી પણ કરી હતી. આ હુમલામાં રેસ્ટોરાંને 100,000 ડોલરનું નુકસાન થયું હતું.
બલજિત સિંહે 2013માં આ રેસ્ટોરાં ખરીદી હતી અને તેનું સંચાલન પુત્ર બલજોત કરે છે. સાન્ટા ફે પોલીસે આ ઘટનાને ઇન્ડિયન કમ્યુનિટી સામેનો હેટ ક્રાઇમ ગણાવ્યો હતો. જોકે 16 મહિના થવા છતાં આરોપ ઘડવામાં આવ્યા ન હતા. ગયા સપ્તાહે એફબીઆઇએ જણાવ્યું હતું કે ઇન્ડિયા પેલેસ રેસ્ટોરા પર હુમલાના ગુનેગારોને સજા કરવા તે પ્રતિબદ્ધ છે. આ હુમલાની સ્થાનિક અને રાષ્ટ્રીય સ્તરે નોંધ લેવામાં આવી હતી.