અમેરિકાના પ્રેસિડન્ટ જો બાઇડને વ્હાઇટમાં તાજેતરમાં કરેલી ઇદની ઉજવણીમાં ન્યૂ જર્સી રાજ્યના પ્રોસ્પેક્ટ પાર્કના મુસ્લિમ મેયરને સામેલ થવાની સિક્રેટ સર્વિસે મંજૂરી આપી ન હતી. મેયર મોહમ્મદ ખૈરુલ્લા ઈદ-અલ-ફિત્રની ઉજવણી માટે વ્હાઇટ હાઉસ આવવાનાં હતાં, તેના થોડાં સમય પહેલાં તેમને વ્હાઇટ હાઉસમાંથી ફોન આવ્યો હતો. તેમાં જણાવાયું હતું કે તેમને સિક્રેટ સર્વિસે પ્રવેશ માટે મંજૂરી આપી નથી અને તેઓ ઉજવણીમાં હાજરી આપી શકશે નહીં. આ ઉજવણીમાં બાઇડને સેંકડો મહેમાનોને સંબોધન કર્યું હતું.
કાઉન્સિલ ઓન અમેરિકન-ઇસ્લામિક રિલેશન્સના ન્યૂ જર્સીના ચેપ્ટરના હવાલાથી મીડિયામાં આ અહેવાલ આવ્યાં હતાં. યુએસ સિક્રેટ સર્વિસના પ્રવક્તા એન્થની ગુગલીએલ્મીએ પુષ્ટિ કરી હતી કે ખૈરુલ્લાહને વ્હાઇટ હાઉસ સંકુલમાં પ્રવેશ આપવામાં આવ્યો ન હતો, પરંતુ શા માટે પ્રવેશ અપાયો ન હતો, તેની વિગત આપી ન હતી. ખૈરુલ્લા જાન્યુઆરીમાં પ્રોસ્પેક્ટ પાર્કના પાંચમી મુદત માટે મેયર તરીકે ચૂંટાયા હતાં.
ગુગલીએલ્મીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે “મેયરને આજે સાંજે વ્હાઇટ હાઉસ સંકુલમાં પ્રવેશવાની મંજૂરી અપાઈ ન હતી. તેનાથી થયેલી કોઈપણ અસુવિધા માટે અમે દિલગીર છે, પરંતુ દુર્ભાગ્યે અમે વ્હાઇટ હાઉસમાં સુરક્ષા વ્યવસ્થા કરવા માટે ઉપયોગમાં લેવાતા ચોક્કસ રક્ષણાત્મક માધ્યમો અને પદ્ધતિઓ પર વધુ ટિપ્પણી કરી શકીએ તેમ નથી.”
આ પગલાને સંપૂર્ણપણે અસ્વીકાર્ય અને અપમાનજનક ગણાવતાં CAIR-NJના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર સેલાદીન મકસુતે હતું કે જો આવી ઘટનાઓ મેયર ખૈરુલ્લાહ જેવા હાઇ-પ્રોફાઇલ અને પ્રતિષ્ઠિત અમેરિકન-મુસ્લિમ વ્યક્તિઓ સાથે થઈ રહી છે, તો આ સવાલ એ ઊભો થાય છે કે જેમની પાસે મેયર જેવી પહોંચ અને ઓળખ નથી તેવા મુસ્લિમોની શું હાલત થતી હશે?
ખૈરુલ્લા સીરિયા અને બાંગ્લાદેશમાં માનવતાવાદી કાર્ય કરવા માટે પણ જાણીતા છે. અગાઉ તેમને ન્યૂ યોર્કમાં જ્હોન ઓફ કેનેડી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સત્તાવાળાએ અટકાવ્યાં હતાં અને ત્રણ કલાક સુધી આકરી પૂછપરછ કરી હતી. તેમને સવાલ કરાયાં હતાં કે તેઓ કોઇ ત્રાસવાદીઓને જાણે છે કે નહીં.