ગુજરાત સરકાર દ્વારા જમીન, મકાન સહિતની સ્થાવર મિલકતોની બજાર કિંમત નક્કી કરવા માટે નવી જંત્રીનો અમલ ૧૫ એપ્રિલથી શરુ કરાશે. જોકે, સરકારના દાવા પ્રમાણે અત્યારે નવી જંત્રી માટેના સર્વેની કામગીરી ચાલુ છે. એ ક્યારે પૂરી થશે ? અને ક્યારે રાજ્યના જિલ્લા, તાલુકા, ગામ, વિકસિત, અવિકસિત વિસ્તારો મુજબની વાસ્તવિક જંત્રી અમલમાં આવશે ? તેના કોઈ જવાબ રાજ્ય સરકાર પાસે નથી. પરંતુ ગત ૪ ફેબ્રુઆરીએ સરકારે, રાજ્યમાં અચાનક પ્રવર્તમાન જંત્રીના દરમાં ૧૦૦ ટકાનો વધારો કર્યો હતો. તેનાથી નારાજ થયેલા વિવિધ ડેવપલપર્સ એસોસિએશનો-ક્રેડાઈના હોદ્દેદારોની રજૂઆતોને પગલે સરકારે, નવી જંત્રીના અમલને મોકૂફ રાખીને ૧૫ એપ્રિલથી તેને લાગુ કરવાની જાહેરાત કરી હતી.
જેની મુદ્દત હવે, ૧૪મીના મધરાતે પૂરી થશે એટલે રાજ્ય સરકાર ૧૫મી એપ્રિલથી રાજ્યમાં તમામ સ્થાવર મિલકતોની લે-વેચ સહિતના વ્યવહારોમાં નવી જંત્રીનો જ અમલ કરશે. આમછતાં રાજ્ય સરકાર દ્વારા જંત્રીના સર્વેના અંતે કે વચગાળાની રાહતના સ્વરુપે કોઈ જાહેરાત કરશે એમ જરૂર મનાઈ રહ્યું છે.
અત્યારે તો, સરકારે અગાઉ કરેલી જાહેરાત મુજબ, ૧૪મી એપ્રિલના રાતના ૧૨ વાગ્યા સુધીમાં જે તે દસ્તાવેજો માટેની સ્ટેમ્પ ડ્યુટી નક્કી થઈ ગઈ હોય, લેનાર-વેચનારની સહીઓ થઈ ગઈ હોય, વ્યવહારો પૂરા થવામાં હોય વગેરે કિસ્સામાં ૪ મહિના સુધી જૂની જંત્રી અમલી રહેશે પરંતુ કોઈ નવા જ વ્યવહારો, નવી-જૂની સ્થાવર મિલકતોની ખરીદી વગેરેના કિસ્સામાં જો, વ્યવહારો ૧૫મી કે બાદ હશે તો, વધારા સાથે નવી જંત્રી જ લાગુ થશે.