ટાટા પ્રોજેક્ટ્સ લિમિટેડ દ્વારા નિર્મિત નવા સંસદ ભવનમાં ભારતના લોકશાહી વારસાને દર્શાવવા માટે એક ભવ્ય બંધારણીય હોલ, સાંસદો માટે લાઉન્જ, એક પુસ્તકાલય, બહુવિધ સમિતિ રૂમ, ભોજન વિસ્તાર અને પૂરતી પાર્કિંગ જગ્યા હશે. ત્રિકોણાકાર ચાર માળની ઇમારતનો બિલ્ટ-અપ વિસ્તાર 64,500 ચોરસ મીટર છે. આ ઇમારતમાં જ્ઞાન દ્વાર, શક્તિ દ્વાર અને કર્મ દ્વાર એમ ત્રણ મુખ્ય દરવાજા છે. તેમાં VIP, સાંસદો અને મુલાકાતીઓ માટે અલગ પ્રવેશદ્વાર હશે.
ઈમારતમાં સાગનું લાકડું મહારાષ્ટ્રના નાગપુરમાંથી મંગાવવામાં આવ્યું હતું, જ્યારે લાલ અને સફેદ રેતીના પથ્થર રાજસ્થાનના સિરમથુરામાંથી મેળવવામાં આવ્યા હતા. રાષ્ટ્રીય રાજધાનીમાં લાલ કિલ્લા અને હુમાયુના મકબરો માટેનો રેતીનો પત્થર પણ સિરમથુરામાંથી મેળવવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે. લોકસભા અને રાજ્યસભાની ચેમ્બરમાં ફોલ્સ સીલિંગ માટેનું સ્ટીલનું માળખું કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દીવમાંથી મેળવવામાં આવ્યું છે, જ્યારે નવી બિલ્ડિંગમાં ફર્નિચર મુંબઈમાં તૈયાર કરવામાં આવ્યું હતું. એક અધિકારીએ જણાવ્યું હતું કે “એક રીતે, સમગ્ર દેશ લોકશાહીના મંદિરનું નિર્માણ કરવા માટે એકસાથે આવ્યો હતો અને આ રીતે એક ભારત શ્રેષ્ઠ ભારતની સાચી ભાવનાને પ્રતિબિંબિત કરે છે.”