નવી દિલ્હીમાં શનિવારે જી20 સમિટ દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ માહિતી આપી હતી કે, આજના ઘોષણાપત્ર પર તમામ દેશોએ સહમતી દર્શાવી હોવાથી નવી દિલ્હી ડિક્લેરેશન પસાર કરવામાં આવ્યું હતું.

નવી દિલ્હી ઘોષણાપત્રમાં નવ વાર વૈશ્વિક ત્રાસવાદનો ઉલ્લેખ કર્યો હતો અને વિશ્વ શાંતિ માટે તમામ ધર્મોની પ્રતિબદ્ધતાનો સ્વીકાર કર્યો હતો. ઘોષણાપત્રમાં વિવિધ મુદ્દાઓમાં- મજબૂત, ટકાઉ, સંતુલિત અને સમાવેશી વિકાસ, SDGs પર પ્રગતિમાં ઝડપ લાવવી, સતત ભવિષ્ય માટે હરિત વિકાસ સમજૂતી, 21મી સદી માટે બહુપક્ષીય સંસ્થાનું નિર્માણ, ટેક્નોલોજી પરિવર્તન અને જાહેર ડિજિટલ માળખું, આંતરરાષ્ટ્રીય ટેક્સેશન, લૈંગિક સમાનતા અને તમામ મહિલાઓ અને યુવતીઓને સશક્ત બનાવવી, નાણાકીય ક્ષેત્રના મુદ્દાનું નિરાકરણ, ત્રાસવાદ અને મની લોન્ડરિંગના પડકારનો સામનો કરવો, સર્વસમાવેશક વિશ્વનું નિર્માણ વગેરે સમાવેશ થાય છે.

આ સમિટ દરમિયાન વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, કોરોના પછી વિશ્વમાં વિશ્વાસનું સંકટ ઊભું થયું હતું. યુક્રેન-રશિયા વચ્ચેના યુદ્ધે આ સંકટને વધુ ઘેરું બનાવ્યું હતું. જ્યારે આપણે કોરોનાને હરાવી શકીએ છીએ તો પરસ્પર ચર્ચા દ્વારા વિશ્વાસના આ સંકટને પણ દૂર કરી શકીએ છીએ. આ સમય બધાએ સાથે મળીને આગળ વધવાનો છે. વડાપ્રધાન મોદીએ વિશ્વમાં ‘આત્મવિશ્વાસની કટોકટી’ને ધ્યાનમાં રાખીને સૌનો સાથ, સૌનો વિકાસ, સૌના વિશ્વાસનો મંત્ર આપ્યો હતો.

LEAVE A REPLY