ડાર્વેન સાથે બ્લેકબર્નમાં બે અઠવાડિયામાં નવા જાહેર થયેલા કોરોનાવાઈરસના ચેપનો ભોગ બનેલા 114 લોકો પૈકી 85% લોકો ‘સાઉથ એશિયન એટલે કે ભારતીય કે પાકિસ્તાની મૂળના છે એમ સ્થાનિક આરોગ્ય વડાએ જણાવ્યું હતું. તેના પાછળનું કારણ કાઉન્સિલે લેસ્ટર-શૈલીનું સંપૂર્ણ લોકડાઉન ટાળવા માટે મર્યાદિત સંખ્યામાં લોકોને અન્ય ઘરોની મુલાકાત લેવાની મંજૂરી આપી છે. કાઉન્સિલના નેતાએ ‘ખૂબ જ વાસ્તવિક’ ખતરો હોવાનું જણાવ્યું છે.
આવતા મહિના માટે લેન્કેશાયર ઓથોરિટી વિસ્તારમાં એક જ કુટુંબના ફક્ત બે જ લોકોને અન્યના ઘરની મુલાકાત લેવાની મંજૂરી આપવામાં આવી હતી તેમજ નવા નિયમો હેઠળ કોઈપણ જાહેર બંધ જગ્યામાં ચહેરા પર માસ્ક પહેરવો પડશે.
જે રીતે રોગચાળાનો વ્યાપ વધી રહ્યો છે તે જોતાં સ્થાનિક લૉકડાઉનથી અસરગ્રસ્ત થનારા વિસ્તારમાં લેસ્ટર પછી ઇંગ્લેન્ડમાં તે બીજા સ્થાને આવશે. લોકોને પણ વિનંતી કરવામાં આવી રહી છે કે પોતાના ઘરની બહારની કોઈ પણ વ્યક્તિને ભેટવું નહીં. લેસ્ટર સ્ટાઇલનું લોકડાઉન ટાળવાનાં પગલા રૂપે નવા મોબાઇલ સેન્ટરો પર નિયમિતપણે પરીક્ષણ કરાય છે.
ઑથોરિટીના પબ્લિક હેલ્થના ડાયરેક્ટર ડોમિનિક હેરિસને જણાવ્યું હતું કે 114 નવા કેસોમાં 85 ટકા દક્ષિણ એશિયાના બેકગ્રાઉન્ડના લોકો છે પણ કાઉન્સિલની 150,000 વસ્તીમાં તેમનો 30 ટકા જ હિસ્સો છે. આ ઉપરાંત ઇંગ્લેંડના બ્રેડફોર્ડ, રોચડેલ અને ઓલ્ડહામમાં કોવિડ-19 ચેપનો દર સૌથી વધુ છે અને ત્યાં પણ દક્ષિણ એશિયન્સના મોટા સમુદાયો વસે છે.
રોગચાળો ડામવા માટે કોવિડ-19 ટેસ્ટીંગ ઈચ્છે તે સૌ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે અને લક્ષણો ન હોવા છતાં પણ તેઓને સ્વેબ લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. દક્ષિણ એશિયન મૂળના ઘણા વૃદ્ધો દરરોજ તાજા શાકભાજી અને ખોરાક ખરીદવા જતા હોવાથી સરકાર ચિંતિત છે. ટેસ્ટની સંખ્યા વધતા આવતા અઠવાડિયામાં કેસોની સત્તાવાર સંખ્યામાં નાટ્યાત્મક વધારો થઈ શકે છે. પરંતુ બે અઠવાડિયા પછી પણ કિસ્સાઓમાં વધારો થશે તો સ્થાનિક લૉકડાઉનનો અમલ કરાવાશે એવું લાગે છે. કામના સ્થળે કે શાળાઓમાં વ્યાપક રીતે ચેપ ફેલાવાના કોઈ પુરાવા નથી.
કાઉન્સિલના નેતા મોહમ્મદ ખાને કહ્યું હતું કે ‘’જીવન કશું કર્યા વગર સામાન્ય સ્થિતિમાં પાછું ન જઈ શકે. આપણે બધાએ સ્થાનિક લોકડાઉન ટાળવા બલિદાન આપવું જ જોઇએ. કૃપા કરીને તમારી જાતને અને તમારા કુટુંબને સુરક્ષિત રાખવા માટે નિયમોને વળગી રહો.’’
સમુદાયના નેતાઓની એક જ વાતઃ કાળજી રાખો તો કોરોના સામે જીતાય
ગુજરાતી કવિ મંડળના પ્રેસિડેન્ટ અને બ્રિટનની પ્રથમ બુનિયાદી મસ્જીદના પ્રમુખ ઇસ્માઇલ ‘બાબર’ બાંબુસરીએ જણાવ્યું હતું કે ‘’અત્યારે અમારે ત્યાં કોરોનાવાયરસનો કહેર વરતાઇ રહ્યો છે. આપણા અશિયન સમુદાયે માસ્ક પહેરવાની, સોશ્યલ ડિસ્ટન્સીંગ જાળવવાની અને તકેદારી રાખવાની જરૂરી છે. જો પણે તકેદારી રાખશું તો પણે સૌ સચવાઇ જઇશું. આપણા સમુદાયના કેટલાક લોકોના નિધન થયા છે અને કેટલાક લોકો સાજા પણ થઇ ગયા છે. બ્લેકબર્નમાં વસતા 10 હજાર જેટલા ગુજરાતીઓએ સંપીને આ પડકારનો સામનો કરવાનો છે.
વિશ્વ હિન્દુ પરિશદ યુકેના ટ્રસ્ટી અને VHP યુરોપના પૂર્વ સેક્રેટરી બ્રેડફર્ડ ખાતે રહેતા હસમુખભાઇ વી. શાહે જણાવ્યું હતું કે ‘’હું તાજેતરમાં જ 4 માસ દુબઇમાં દિકરીના ઘરે લોકડાઉનમાં રહીને પરત થયો છું અને હવે બ્રેડફર્ડમાં ખરાબ હાલતનો સામનો કરી રહ્યો છું. મોટાભાગના લોકો કોરોનાવાયરસની બીમારી સામે સાચવતા નથી, ધ્યાન આપતા નથી. ફેસ માસ્ક, સોશ્યલ ડીસ્ટન્સીંગ અને શોપીંગમાં લાપરવાહી વર્તી રહ્યા છે. બધા સમુદાયના લોકો બેદરકારી દાખવી રહ્યા છે. લોકો જાગૃત નથી માટે તકલીફ વધી રહી છે. સમાજના નેતાઓ પણ લોકોને જાગૃત કરવામાં કાચા પડે છે. અહી 3 અગ્રણીઓના કોવિડના કારણે મરણ થયા છે. મંદિરોમાં અમે ચુસ્ત નિયમોનું પાલન કરીએ છીએ.’’
મૂળ નવસારીના બેલ્કબર્નના પૂર્વ કાઉન્સિલર અને મેયર સલીમભાઇ મુલ્લાએ જણાવ્યું હતું કે ‘’દરેક મંદિર, મસ્જિદ અને ગુરૂદ્વારામાં આપણે સૌ તકેદારી રાખીએ છીએ. પરંતુ તમે પબ અને રેસ્ટોરંટ્સમાં જઇને જોશો તો તમને જણાશે કે કોવિડ-19 નિયમનોનું કેટલું પાલન કરવામાં આવે છે.’’
નામ નહિ આપવાની શરતે બ્લેકબર્નના ભરૂચી મુસ્લિમ અગ્રણીએ જણાવ્યું હતું કે ‘’કોવિડ-19ના નામે મોટો હાઉ ઉભો કરવામાં આવ્યો છે. બ્લેકબર્નમાં દર લાખની વસ્તીએ કોવિડ અસરગ્રસ્ત લોકોનો દર 46 વ્યક્તિનો છે. જે બે વિક પહેલા 36 હતો. આમ 10 દર્દીનો વધારો થયો છે. આ એશિયન સમુદાય સામે મિડીયાનો હાઇપ છે. એશિયન્સને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે. બીજુ ગુજરાતી સમુદાયે બહુ મોટા પ્રમાણમાં ટેસ્ટીંગ કરાવ્યું છે જેના કારણે આ દર જણાઇ રહ્યો છે.‘’
‘વ્હોરા વોઇસ’ના ઓફિસર ઇમ્તિયાઝ પટેલે જણાવ્યું હતું કે ‘’સ્થિતી હવે નોર્મલ થઇ રહી છે. લોકોમાં ભય છે. બોલ્ટન, બ્લેકબર્ન, રોશડેલ અને આજુબાજુના નગરોમાં બે વિકમાં કેસ નીકળ્યા છે. ડેથ રેટ એટલો નથી. પણ ખાસ કરીને મુસ્લિમ સમુદાયના લોકો અને ગંભીર બીમાર લોકોના મરણ થયા છે. વ્હોરા વોઇસ સંસ્થા દ્વારા અમે સામુહિક ઓનલાઇન ચર્ચા, અવેરનેસ કેમ્પેઇન, રેડીયો માર્ગદર્શન કરીએ છીએ. બધા સમાજના લોકો સાથે મળીને કામ કરીએ છીએ અને તેના સારા ફળ મળશે.‘’
ક્યાં, કેટલી અસર?
આ આંકડા તા. 6 થી 12 જુલાઇ વચ્ચે દરેક લોકલ ઑથોરીટીમાં રહેતા દર 1 લાખ લોકો દીઠ નવા કોરોનાવાઈરસના કેસના છે.
વિસ્તાર દર્દીની સંખ્યા
લેસ્ટર શહેર 101.3
ડાર્વેન સાથે બ્લેકબર્ન 47.0
બ્રેડફોર્ડ 36.5
હેરફોર્ડશાયર 36.4
રોશડેલ 30.5
પીટરબરો 27.4
લુટન 24.3
કર્કલીઝ 23.7
કેલ્ડરડેલ 20
વેકફિલ્ડ 19.1
ઓલ્ડહામ 16.6
બોલ્ટન 15.1
રોધરહા 14.7
માન્ચેસ્ટર 13.3
શેફિલ્ડ 12.9
નોર્ધમ્પ્ટન 12.7
સેલ્ફર્ડ 12.9
લેસ્ટરશાયર 10.9
સ્ટૉક-ઓન-ટ્રેન્ટ 10.2
લેન્કેશાયર 9.8