ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. ભાજપના પ્રચારની કમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંભાળીએ છે, જ્યારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી પણ 21 નવેમ્બરે જાહેર સભાઓ ગજાવશે. અરવિંદ કેજરીવાલે તો અગાઉથી પણ પ્રચાર ચાલુ કરી દીધો છે.
આ વખતને ચૂંટણીમાં વિજય માટે ત્રણમાંથી એકપણ પક્ષ કોઇ કસર છોડવા માગતા નથી. કેટલાંક ઉમેદવારો રોબોટથી અને કેટલાંક ઉમેદવારો પેઇડ પ્રચારકોથી લોકોને આકર્ષવાના પ્રયાસ કરી રહ્યાં છે. નડિયાદ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પંકજ દેસાઈએ ડિજિટલ ઇન્ડિયાની થીમ પર ખાસ રોબોટ દ્વારા પ્રચાર ચાલુ કર્યો હતો. આમ ચૂંટણી પ્રચારમાં આ રીતે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં ભાજપે પહેલ કરી છે.
ભાજપ આઈટી સેલના પ્રમુખ મધ્યઝોનના હર્ષિલ પટેલ દ્વારા આ રોબોટ તૈયાર કરી અહીં લાવવામાં આવ્યો હતો અને વડાપ્રધાન મોદીનું જે હાઇટેક પ્રચાર-પ્રસારનું સ્વપ્નને વાસ્તવિક સ્વરૂપ આપવા માટે ખાસ આ રોબોટ તૈયાર કરાયો છે. આ રોબોટ લોકો વચ્ચે ફરી પેમ્ફલેટ વેચે છે અને આ ખાસ પ્રકારની સાઉન્ડ સિસ્ટમ થકી નડિયાદ વિધાનસભામાં થયેલાં વિકાસલક્ષી કામોની પ્રજા સુધી માહિતી પહોંચાડે છે.
દરેક રાજકીય પક્ષે ઉમેદવારની પસંદગી જાહેર કરી દીધી હોવાથી અસરકારક પ્રચારની જવાબદારી ઉમેદવારના માથે આવી પડી છે. પક્ષ માટે કે વિચારધારા માટે સમયનો ભોગ આપનારા કાર્યકરોની ખોટ મોટા ભાગના ઉમેદવારને વરતાઈ રહી છે અને તેના કારણે ભાડૂતી પ્રચારકોની માગ વધી છે. સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ ચૂંટણી જાહેર થઈ તે પછી ૩૦૦ રૂપિયાના દૈનિક મહેનતાણાથી માણસો મળતા હતા, પરંતુ માગમાં ઉછાળો આવતાં રોજનો ભાવ ૮૦૦ રૂપિયા સુધી પહોંચી ગયો છે.
રાજકીય પક્ષના ઝંડા અને ખેસ લઈને પ્રચાર અભિયાનમાં જોડાઈ જનારા સમર્પિત કાર્યકરોને મોટા ભાગે સાંજના સમયે નવરાશ મળતી હોય છે. તેનાથી સવારે ૮થી ૬ દરમિયાન ભીડ ભેગી કરવા માટે કેટલાંક ઉમેદવારો ભાડુતી પ્રચારકો રાખી રહ્યાં છે. ભાડુતી પ્રચારકો રૂ.૮૦૦ સુધીનું દૈનિક મહેનતાણું લે છે. મહેનતાણામાં પણ વિસ્તાર પ્રમાણે તફાવત રહેતો હોય છે. ગ્રામ્ય વિસ્તારોમાં આ મહેનતાણુ ૩૦૦થી રૂ.૫૦૦ સુધીનું રહે છે, જ્યારે મોટા શહેરોમાં ભાવ રૂ.૫૦૦થી ૮૦૦ સુધીના થઈ ગયા છે. આ સ્થિતિમાં કામચલાઉ આઉટસોર્સિંગ એજન્સીઓ મેદાનમાં આવી છે. જે સફાઈ કામદાર, શ્રમિક અને બેરોજગાર યુવાનોની યાદી બનાવીને રાખે છે અને ડિમાન્ડ પ્રમાણે માણસોની સપ્લાય કરે છે. ભાડૂતી માણસોના મહેનતાણામાં વધારો થતાં આવી એજન્સીની કમાણી પણ વધી છે.