બાર્ડ નામના નવા ચેટબોટે એક પ્રમોશન ઇવેન્ટમાં ખોટી માહિતી આપતા ગૂગલની માલિક કંપની આલ્ફાબેટ ઇન્કના બજારમૂલ્યમાં એક જ દિવસમાં રૂ.100 અબજ ડોલરનું ધોવાણ થયું હતું. નવા ચેટબોટની ખોટી માહિતીથી રોકાણકારોમાં ચિંતા જન્મી હતી કે હરીફ કંપની માઇક્રોસોફ્ટ સામે ગૂગલની માલિક કંપની પાછળ રહી ગઈ છે.
બુધવાર, 8 ફેબ્રુઆરીએ આલ્ફાબેટના શેરમાં 9 ટકાનો કડાકો બોલાયો હતો. તેનું ટ્રેડિંગ વોલ્યુમ પણ 50 દિવસની સરેરાશ કરતા આશરે ત્રણ ગણુ રહ્યું હતું. ગયા વર્ષે શેરના મૂલ્યમાં આશરે 40 ટકા ધોવાણ થયું હતું, પરંતુ આ વર્ષના પ્રારંભથી તેમાં 15 ટકા તેજી આવી હતી.
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ક્ષેત્રે માઈક્રોસોફ્ટ સમર્થિત ચેટબોટ ચેટજીટીપી સામે ગૂગલે ઉતાવળે એઆઈ ટૂલ બાર્ડનો ડેમો રજૂ કર્યો હતો, જેમાં બાર્ડે જવાબ આપવામાં ભૂલ કરતાં ગૂગલની પેરન્ટ કંપની આલ્ફાબેટ માટે પ્રથમ ગ્રાસે મક્ષીકા જેવી સ્થિતિ સર્જાઈ હતી.
સર્ચ એન્જિનમાં વર્ષો સુધી ટોચનું સ્થાન ધરાવનાર ગૂગલને માઈક્રોસોફ્ટે આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સના ક્ષેત્રમાં ચેટબોટ ટૂલ ચેટજીપીટી મારફત પડકાર ફેંક્યો છે. ચેટજીપીટીને ટક્કર આપવા માટે ગૂગલે પણ તેનું એઆઈ આધારિત ચેટબોટ બાર્ડ લોન્ચ કરવાની તૈયારી કરી છે. કંપનીએ સોશિયલ મીડિયા પર બાર્ડનો પ્રમોશનલ વીડિયો બતાવ્યો હતો. નવા એઆઈ ચેટબોટ પર ગૂગલની રજૂઆત પહેલાં જ બાર્ડની ભૂલ પકડાઈ હતી. પ્રમોશન ઇવેન્ટમાં બાર્ડને એક સવાલ કરવામાં આવ્યો કે, જેમ્સ વેબ સ્પેસ ટેલીસ્કોપે કઈ નવી શોધ કરી છે, જે ૯ વર્ષના બાળકને જણાવી શકાય? આ સવાલના પ્રતિસાદમાં બાર્ડે અનેક જવાબો આપ્યા, જેમાં એક જવાબ એવો પણ હતો કે, જેડબલ્યુએસટીનો ઉપયોગ પૃથ્વીની સોલાર સિસ્ટમની બહારના ગ્રહનો પહેલો ફોટો લેવા માટે થયો હતો. જોકે, બાર્ડનો આ જવાબ ખોટો હતો