ગુજરાતની નવી કેબિનેટે શપથ લીધાઃ પ્રધાનમંડળમાં 25 સભ્યોઃ 10 કેબિનેટ અને 14 રાજ્યકક્ષાના પ્રધાનો
વિરોધ, વિવાદ અને નારાજગીના અહેવાલ વચ્ચે ગુજરાતના નવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નવા પ્રધાનમંડળે ગુરુવાર, 16 સપ્ટેમ્બરે બપોરે 1.30 કલાકે શપથ લીધા હતા. ગાંઘીનગરના રાજભવન ખાતે યોજાયેલા સાદા સમારંભમાં રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે કુલ 24 પ્રધાનોએ શપથ લેવડાવ્યા હતા, આમ મુખ્યપ્રધાન સાથે પ્રધાનમંડળમાં કુલ 25 સભ્યો છે, તેમાંથી 10 કેબિનેટ પ્રધાનો અને 14 રાજ્યકક્ષાના પ્રધાનો છે. નવી કેબિનેટમાં માત્ર બે મહિલાને સ્થાન મળ્યું છે.રાજ્યકક્ષાના પાંચ પ્રધાનોને સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો હતો. વિધાનસભાના ભૂતપૂર્વ અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી ગુજરાત સરકારમાં મુખ્યપ્રધાન પછી નંબર ટુ રહેશે.
કેબિનેટમાં જ્ઞાતિનું જોઇએ તો 7 પાટીદાર, 6 ઓબીસી, 5 આદિવાસી, 3 ક્ષત્રિય, 2 બ્રાહ્મણ તથા 1 દલિત અને 1 જૈન પ્રધાન સામેલ છે. પ્રદેશવાર જોઇએ તો દક્ષિણ ગુજરાતના 8, મધ્ય ગુજરાતના 7, સૌરાષ્ટ્રના 7 અને ઉત્તર ગુજરાતના 3 ધારાસભ્યોને કેબિનેટમાં સ્થાન મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે ભાજપના હાઇકમાન્ડે જૂની રૂપાણી સરકારના તમામ પ્રધાનોને પડતા મૂકીને નો રિપિટ થીયરનો અમલ કર્યો હતો અને તેનાથી આંતરિક વિખવાદ પણ થયો હતો. નવા પ્રધાનમંડળમાં દક્ષિણ ગુજરાતનું પ્રભુત્વ રહ્યું હતું,જ્યારે કચ્છની બાદબાકી કરવામાં આવી છે. જ્યારે જ્ઞાતિવાર સમીકરણો ધ્યાનમાં રાખવામાં આવ્યા હતા.
આ અગાઉ શપથગ્રહણ વિધીમાં સામેલ થવા માટે ભૂતપૂર્વ મુખ્યપ્રધાન નીતિન પટેલ રાજભવન પહોંચ્યા હતા, જ્યાં ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ખભે હાથ મુકી તેમને આવકાર્યા હતા.
ગુજરાતના રાજકીય ઈતિહાસમાં પહેલીવાર એક જ પક્ષની સરકારમાં કોઈપણ ભૂતપૂર્વ પ્રધાનને નવી કેબિનેટમાં જગ્યા આપવામાં નથી આવી. ચૂંટણીના સવા વર્ષ પહેલા થયેલા મોટા ફેરબદલમાં માત્ર મુખ્યપ્રધાન જ નથી બદલાયા, પરંતુ સમગ્ર પ્રધાનમંડળ બદલી નાખવામાં આવતા અનેક તર્કવિતર્ક વહેતા થયા હતા. જૂના પ્રધાનમંડળમાં સામેલ અને કોંગ્રેસમાંથી આવેલા તમામ લોકોના પત્તાં કપાયા છે. જોકે, કોંગ્રેસમાંથી આવેલા કેટલાક નવા ચહેરાને નવા પ્રધાનમંડળમાં સ્થાન પણ આપવામાં આવ્યું છે.
રાજ્યનું નવું પ્રધાનમંડળ
કેબિનેટ પ્રધાનો
ભૂપેન્દ્ર પટેલ, ઘાટલોડિયા (મુખ્યપ્રધાન)
રાજેન્દ્ર ત્રિવેદી, રાવપુરા
જીતુ વાઘાણી, ભાવનગર પશ્ચિમ
ઋષિકેશ પટેલ, વીસનગર
પૂર્ણેશ મોદી, સુરત પશ્ચિમ
રાઘવજી પટેલ, જામગનર ગ્રામ્ય
કનુભાઇ દેસાઈ, પારડી
કિરીટસિંહ રાણા, લીંબડી
નરેશ પટેલ, ગણદેવી
પ્રદીપ પરમાર, અસારવા
અર્જુનસિંહ ચૌહાણ, મહેમદાવાદ
5 રાજ્યકક્ષાના પ્રધાન(સ્વતંત્ર હવાલો)
હર્ષ સંઘવી, મજૂરા
જગદીશ પંચાલ, નિકોલ
બ્રિજેશ મેરજા, મોરબી
જીતુ ચૌધરી, કપરાડા
મનીષા વકીલ, વડોદરા
9 રાજ્યકક્ષાના પ્રધાન
મુકેશ પટેલ, ઓલપાડ
નિમિષાબેન સુથાર, મોરવા હડફ
અરવિંદ રૈયાણી, રાજકોટ
કુબેરસિંહ ડિંડોર, સંતરામપુર
કીર્તિસિંહ વાઘેલા, કાંકરેજ
ગજેન્દ્રસિંહ પરમાર, પ્રાંતિજ
આર. સી. મકવાણા, મહુવા
વીનુ મોરડિયા, કતારગામ
દેવા માલમ, કેશોદ