ગુજરાતમાં નવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના પ્રધાનમંડળની શપથવિધી એક દિવસ મોકૂફ રાખવામાં આવી છે. હવે નવા પ્રધાનો ગુરુવાર, 16 સપ્ટેમ્બરે શપથ લે તેવી શક્યતા છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું. નવા પ્રધાનમંડળમાં કોને સમાવવા તે અંગે વિવાદ થયો હોવાની શક્યતા છે.
બુધવારે, 15 સપ્ટેમ્બરે કેબિનેટની રચના થવાની શક્યતા હતી, પરંતુ છેલ્લી ઘડીએ કાર્યક્રમમાં ફેરફાર થયો હતો અને આવતી કાલે એટલે કે, ગુરૂવારે નવા મંત્રીઓની શપથવિધિ યોજવાનું નક્કી થયું છે. જોકે હાલ આ મુદ્દો ગૂંચવાયેલો છે. હકીકતે નવા ચહેરાઓને લઈ પેચ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મુજબ ભૂપેન્દ્ર પટેલ સમગ્ર પ્રધાનમંડળમાં ફેરફાર ઈચ્છે છે, તેનાથી આંતરિક વિખવાદ ઊભો થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અગાઉની વિજય રૂપાણી સરકારના તમામ 22 પ્રધાનોને પડતા મૂકવામાં આવશે, આમા નીતિન પટેલનો પણ સમાવેશ થાય છે.
શપથ ગ્રહણ વિધિનો કાર્યક્રમ મોકૂફ રહેતા ગાંધીનગરમાં રાજભવન ખાતે લગાવવામાં આવેલા પોસ્ટર્સ પણ હટાવી લેવામાં આવ્યા છે. બુધવારે બપોર બાદ સી.આર. પાટીલના બંગલે ધારાસભ્યોની અવર જવર વધી હતી અને ગાંધીનગરમાં બેઠકોનો દોર શરૂ થયો હતો. એક અહેવાલ પ્રમાણે ભૂપેન્દ્ર પટેલની સરકારમાં 24 પ્રધાનો સામેલ કરવામાં આવી શકે છે જેમાં તમામ વિસ્તારોના 6-6 એમએલએને સ્થાન મળે તેવી ગણતરી છે.
ભાજપના સૂત્રો દ્વારા મળતા અહેવાલો પ્રમાણે 90 ટકા પ્રધાનોને હટાવી દેવામાં આવશે. ફક્ત એક અથવા બે પ્રધાન જ એવા હશે જેમને ફરી સામેલ કરવામાં આવશે. આ વાતને લઈ ગુજરાત ભાજપમાં તણાવ વ્યાપ્યો છે.
વિજય રૂપાણીના રાજીનામા બાદ ભાજપના દિગ્ગજ નેતા નીતિન પટેલ, ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા, આરસી ફળદુ અને કૌશિક પટેલના રાજકીય ભવિષ્યને લઈ પણ સવાલ થઈ રહ્યો છે. રૂપાણી સરકારમાં નીતિન પટેલ નાયબ મુખ્યપ્રધાની સાથે નાણા પ્રધાન હતા, જ્યારે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા શિક્ષણ પ્રધાન તરીકેની જવાબદારી સંભાળી રહ્યા હતા. આરસી ફળદુ કૃષિ પ્રધાન છે અને કૌશિક પટેલ મહેસૂલ પ્રધાન છે. આ ચારેય ગુજરાત ભાજપના જૂના ચહેરા છે. ભૂપેન્દ્ર પટેલ મુખ્યપ્રધાન બન્યા તે સાથે જ નીતિન પટેલની ખુરશી જોખમાઈ છે, કારણ કે, તે બંને પાટીદાર સમુદાયના છે. મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાનનું પદ એક જ સમાજને આપવામાં આવે તેની શક્યતા ઓછી છે.