અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ગયા સપ્તાહે કહ્યું હતું કે, કાનૂની કારણોસર તો પોતે ક્યારેય પ્રેસિડેન્ટપદની સ્પર્ધામાંથી ખસી નહીં જાય. ફોક્સ ન્યૂઝ સાથેની વાતચિતમાં ટ્રમ્પે કહ્યું હતું કે, હું ક્યારેય સ્પર્ધામાંથી ખસી જઈશ નહીં. એ મારા સ્વભાવમાં જ નથી. તેને એવું પૂછાયું હતું કે, પ્રોસિક્યુટર્સ (સરકારના કાનૂની પ્રતિનિધિઓ) તેની સામે એવો કોઈ પડકાર ઉભો કરે તો શું એ શક્ય છે કે, તેઓ વ્હાઈટ હાઉસની સ્પર્ધામાંથી ખસી જશે? આ પ્રશ્નના પ્રતિભાવમાં ટ્રમ્પે ઉપર મુજબ જણાવ્યું હતું.
અગાઉ, ન્યૂ યોર્કની મેનહટન કોર્ટે ટ્રમ્પના કેસની આગામી સુનાવણી 4 ડીસેમ્બરના રોજ રાખવાનું ઠરાવ્યું હતું, જેમાં ટ્રમ્પે વ્યક્તિગત રીતે હાજર રહેવાનું છે. ટ્રમ્પની સામે કોર્ટે 34 ફોજદારી અપરાધોમાં તહોમતનામું ઘડ્યું છે અને એ તમામમાં પોતે દોષિત નહીં હોવાનું ટ્રમ્પે કહ્યું હતું. તહોમતનામામાં ટ્રમ્પ સામે એવો આક્ષેપ છે કે, 2016ની પ્રેસિડેન્ટપદની ચૂંટણીમાં ટ્રમ્પ વિજેતા જાહેર થયા હતા, પણ તે ચૂંટણીની પ્રમાણિકતાને કલંકિત કરવા માટેના એક કાવતરામાં ટ્રમ્પ સામેલ હતા.
સમાચારો અનુસાર એ તહોમત મુજબ એક મહિલા – પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સે એવો દાવો કર્યો હતો કે ટ્રમ્પ સાથે તેને લગ્નેતર સંબંધો હતા. ચૂંટણી અગાઉ સ્ટોર્મીએ કોઈક સાથેની વાતચિતમાં આ દાવો કર્યો હતો, જેની ટેપ જાહેર થઈ જતાં નેશનલ ઈન્ક્વાયરર મેગેઝિનના મુખ્ય તંત્રી અને સીઈઓએ ટ્રમ્પના વકીલ માઈકલ કોહેનનો સંપર્ક સાધ્યો હતો. સરકારી કાનૂની અધિકારીઓના દાવા મુજબ સ્ટોર્મી ડેનિયલ્સને ટ્રમ્પ સાથેના કથિત સંબંધો વિષે ચૂપ રહેવા માટે નાણા ચૂકવવાની ગોઠવણ કરી ટ્રમ્પે એ ચૂંટણીની પ્રક્રિયાની શુદ્ધતાને કલંકિત કરવાનું કૃત્ય કર્યું હતું.ટ્રમ્પે એ મુલાકાતમાં જ એવું પણ કહ્યું હતું કે, બાઈડેન કઈં બહુ ઘરડા તો નથી જ. વયમાં હું પણ એનાથી બહુ તો નહીં – માંડ ચાર-પાંચ વર્ષ જ નાનો છું.