ઇઝરાયેલના હવાઇ હુમલામાં લેબનોના બેરુતના સબર્બનો ખંડેર બનેલો વિસ્તાર REUTERS/Louisa Gouliamaki

ઇઝરાયેલ પર હમાસના ઘાતક હુમલાને 7 ઓક્ટોબર 2024ના રોજ એક વર્ષ પૂરું થયું છે. આ પછી ચાલુ થયેલું ગાઝા યુદ્ધ હવે લેબનોન, સિરિયા અને ઇરાન સુધી વિસ્તૃત બન્યું છે. હમાસના હુમલાના પોતાના 1200 લોકોના મોતનો બદલો ઇઝરાયેલે પેલેસ્ટાઇનમાં આશરે 43,000 લોકોના મોત સાથે લીધો છે અને સમગ્ર પેલેસ્ટાઇનને ખંડેર બનાવી દીધું છે. લગભગ એક વર્ષની લડાઈમાં લેબનોનમાં પણ 2,000થી વધુ લોકો માર્યા ગયા છે. ઇઝરાયેલા લેબનોન સ્થિતિ હિઝબુલ્લાના વડા સહિતના અનેક કમાન્ડરોનો ખાતમો બોલાવ્યો છે. ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ રવિવારે વિજય હાંસલ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી અને કહ્યું હતું કે હમાસના 7 ઑક્ટોબરના હુમલા પછીના એક વર્ષમાં તેમના દેશની આર્મીએ “સંપૂર્ણપણે વાસ્તવિકતા બદલી છે”.

ઇઝરાયેલ હજુ પણ હમાસ, હિઝબુલ્લાહ અને હુથી ત્રાસવાદી સંગઠનો પર ભીષણ હુમલા કરી રહ્યું છે. 7 ઓક્ટોબરના હમાસના હુમલાની પૂર્વસંધ્યાએ તેલ અવીવમાં થયેલા ત્રાસવાદી હુમલામાં એક બોર્ડર પોલીસ અધિકારીનું મોત થયું હતું અને બીજા 10 ઘાયલ થયા હતાં. આતંકવાદીએ રવિવારે બપોરે બેરશેબા બસ સ્ટેશન નજીક ગોળીબાર કર્યો હતો. ગયા વર્ષે ઈઝરાયેલ પર 7 ઓક્ટોબરે હમાસના હુમલા બાદ આ એક મોટો હુમલો હતો.

તેલ અવીવમાં ગયા સપ્તાહે ફાયરિંગમાં સાત ઇઝરાયેલી લોકોના મોતના હમાસના દાવા પછી આ મોટો હુમલો થયો હતો.મૃતકની ઓળખ સાર્જન્ટ શિરા સુસ્લિક (19) તરીકે થઈ હતી. તે બીરશેબામાં બોર્ડર પોલીસ ઓફિસર હતી. દક્ષિણ શહેરના સેન્ટ્રલ બસ સ્ટેશનમાં મેકડોનાલ્ડ્સ સ્ટોરમાં એક બંદૂકધારી ઘૂસી ગયો હતો અને અંદર રહેલા લોકો પર ગોળીબાર કર્યો હતો. હુમલાખોરને પણ IDF સૈનિકોએ મોતને ઘાટ ઉતાર્યો હતો. તેની ઓળખ 29 વર્ષીય અહમદ અલ-ઉકબી તરીકે થઈ હતી, જે હુરા નજીકના ઉકબીના બેદુઈન ગામનો ઈઝરાયેલનો નાગરિક હતો. તેનો અગાઉનો ગુનાહિત રેકોર્ડ હોવાનું કહેવાય છે.

બીજી તરફ ઇઝરાયેલે રવિવારે સવારે ગાઝા પટ્ટીમાં એક મસ્જિદ પર કરેલા હુમલામાં ઓછામાં ઓછા 19 લોકોના મોત થયાં હતાં. દેર અલ-બાલાહ શહેરની મુખ્ય હોસ્પિટલ નજીકની આ મસ્જિદમાં વિસ્થાપિત લોકો આશ્રય લઈ રહ્યાં હતા. આ શહેરની નજીક એક સ્કૂલ પરના હુમલામાં પણ વધુ ચાર લોકોના મોત થયા હતાં. ઇઝરાયેલી સૈન્યએ જણાવ્યું હતું કે બંને હુમલામાં આતંકવાદીઓને નિશાન બનાવ્યા હતાં.

LEAVE A REPLY