નેતાજી સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતીના આ પ્રસંગે દિલ્હી ખાતેના ઈન્ડિયા ગેટ પર નેતાજીની હોલોગ્રામ પ્રતિમાનું અનાવરણ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસની અગાઉની સરકારો પર આડકતરો હુમલો કરતાં જણાવ્યું હતું કે સ્વતંત્રતા બાદ ભારતની સંસ્કૃતિ અને મૂલ્યો ઉપરાંત ઘણા સ્વાતંત્ર્ય સેનાનીઓના યોગદાનને ભૂસવાનું કામ થયું છે.પરંતુ હવે આ ભૂલોમાં સુધારો થઈ રહ્યો છે.
મોદીએ જણાવ્યું હતું કે આઝાદીની લડાઇમાં લાખ્ખો લોકોએ બલિદાન આપ્યાછે, પરંતુ તેમના ઇતિહાસને મર્યાદિત કરવાના પ્રયાસો થયા છે. આઝાદીના દાયકાઓ બાદ આજે દેશ આ ભૂલોમાં સુધારો કરી રહ્યો છે. આઝાદીના મહાન લડવેયાની પ્રશંસા કરતા મોદીએ જણાવ્યું હતું કે ‘હું કરી શકું છુ અને હું કરીશ’ એવા નેતાજીના જુસ્સામાંથી લોકોએ પ્રેરણા લેવી જોઇએ. નેતાજી કહેતા હતા કે આઝાદ ભારતના સપનામાં ક્યારેય શ્રદ્ધા ગુમાવશો નહીં. વિશ્વની એવી કોઇ તાકાત નથી કે જે ભારતને ધ્રુજાવી શકે. આજે આપણી સામે આઝાદ ભારતના સપના પૂરી કરવાનો પડકાર છે. આપણી સામે 2047માં આઝાદીના 100 વર્ષ પહેલા નવા ભારતનું સર્જન કરવાનો લક્ષ્યાંક છે.
તેમણે જણાવ્યું હતું કે આ હોલોગ્રામ પ્રતિમાની જગ્યાએ ટૂંકસમયમાં ભવ્ય ગ્રેનાઇટ પ્રતિમા મૂકવામાં આવશે, જે લોકતાંત્રિક મૂલ્યો તેમજ હાલની અને ભાવિ પેઢીઓને પ્રેરણા આપશે. આ પ્રતિભા લોકતાંત્રિક સંસ્થાઓ, હાલની અને આગામી પેઢીઓને તેમની ફરજોની યાદ અપાવશે અને તેમાંથી પ્રેરણા મળશે.
વડાપ્રધાન આ પ્રસંગે 2019, 2020, 2021 અને 2022ના વર્ષો માટે સુભાષ ચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર એનાયત કર્યા હતા. આ સમારંભમાં કુલ સાત એવોર્ડ આપવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે આપત્તિ સંચાલનના ક્ષેત્રમાં ભારતમાં વ્યક્તિઓ અને સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલા અમૂલ્ય યોગદાન અને નિસ્વાર્થ સેવાનું સન્માન અને બહુમાન કરવા માટે સુભાષ ચંદ્ર બોઝ આપદા પ્રબંધન પુરસ્કાર નામના વાર્ષિક એવોર્ડની શરૂઆત કરી છે. મોદીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમની સરકારે આપત્તિનો સામનો કરવાની બાબતને પ્રાથમિકતા આપી છે. અમે રાહત, બચાવ અને પુનર્વસનની સાથે સુધારો પર ભાર મૂકીએ છીએ. અમે દેશભરમાં એનડીઆરએફનું આધુનિકરણ અને વિસ્તરણ કર્યું છે.
આ પ્રતિમા નેતાજી માટે યોગ્ય શ્રદ્ધાંજલિ છેઃ અમિત શાહ
આ પ્રસંગે પોતાના સંબોધનમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે ઇન્ડિયા ગેટ પર નેતાજીની પ્રતિમા દેશની આઝાદીની લડાઇમાં તેમના યોગદાનનું સન્માન છે. આ માત્ર ગ્રેનાઇટ પ્રતિમા નથી, પરંતુ દેશની આઝાદી માટે સર્વત્ર ન્યોછાવર કરનારા મહાન નેતાને એક યોગ્ય શ્રદ્ધાંજલિ છે. અમિત શાહે જણાવ્યું હતું કે નેતાજીની અજય ભાવના હજુ પણ યુવાનો માટે પ્રેરણાદાયી છે.
હોલોગ્રામ પ્રતિમા કેવી છે
* હોલોગ્રામ પ્રતિમા 28 ફૂટ ઊંચી અને 6 ફીટ પહોળી છે.
* તેમાં 30,000 લુમેન્સ 4KW પ્રોજેક્ટરનો ઉપયોગ થયો છે
* 90 ટકા પારદર્શક હોલોગ્રાફિક સ્કીન એવી રીતે ઊભી કરાઈ છે કે મુલાકાતીઓને તે દેખાતી નથી.
* આ સ્ક્રીન પર નેતાજીની થ્રીડી રજૂ કરાશે, જે હોલોગ્રામની ઇફેક્ટ લાવે છે.
હોલોગ્રામ પ્રતિમાની જગ્યાએ ગ્રેનાઇટ પ્રતિભા મૂકશે
હોલોગ્રામ પ્રતિમાની જગ્યાએ ગ્રેનાઇટ પ્રતિભા મૂકશે.આ ગ્રેનાઇટ પ્રતિમા પ્રતિમાને મૂર્તિકાર અદ્વૈત ગડનાયક બનાવશે. અદ્વૈત ગડનાયક નેશનલ ગેલરી ઓફ મોર્ડન આર્ટના ડિરેક્ટર જનરલ છે. નેતાજીની પ્રતિમા માટે તેલંગણાના બ્લેક જેડ ગ્રેનાઇટ સ્ટોનનો ઉપયોગ કરાશે. આ પ્રતિમાની ડિઝાઇન સાંસ્કૃતિ મંત્રાલયે તૈયાર કરી છે. આ પ્રતિમા લગાવવામાં આવશે ત્યારે તેને રાઇસિના હિલ્સથી પણ જોઇ શકાશે.