ઓગસ્ટ 1995માં પ. પૂ. પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા જેનો શુભારંભ કરવામાં આવ્યો હતો તે બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર, લંડનની સ્થાપનાના 25 વર્ષની ઉજવણી ધામધૂમપૂર્વક પણ અલગ જ રીતે કરવામાં આવી રહી છે. જેમાં હજારો ઉપાસકો અને શુભેચ્છકોએ આપેલુ વર્ષોનું બલિદાન અને ભક્તિનું પરિણામ ઉડીને આંખે વળગે છે. આ મંદિર યુરોપમાં અને તે સમયે, ભારતની બહારનું સૌથી મોટું પરંપરાગત હિન્દુ મંદિર હતું.
પ્રેમથી ‘નીસ્ડન ટેમ્પલ’ તરીકે ઓળખાતુ આ મંદિર છેલ્લા 25 વર્ષથી ભક્તો, મુલાકાતીઓ તેમજ વિશાળ સમુદાય માટે શાંતિની ગહન ભાવનાને ઉત્તેજન આપે છે.
આ મહત્વપૂર્ણ પ્રસંગની 25મી વર્ષગાંઠ નિમિત્તે પ્રેરણાદાયક, ભક્તિ પ્રસંગોની શ્રેણીબદ્ધ આયોજન કરવામાં આવ્યું છે જે દરેકને આનંદ આપશે. આ ઉત્સવોમાં મહિલાઓ, બાળકો માટે વિશેષ કાર્યક્રમો તેમજ પ્રમુખ સ્વામી મહારાજના જીવનને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.
આ ઉજવણીની મુખ્ય વિશેષતા વૈશ્વિક ઑનલાઇન વિશ્વ શાંતિ મહાપૂજા છે. કૌટુંબિક સંવાદિતા અને વિશ્વ શાંતિ માટેનો એક અનન્ય ઑનલાઇન વૈદિક સમારોહ શનિવારે તા. 22 ઑગસ્ટના રોજ યોજાશે. આ મહાપૂજા લંડનના બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિરના નિવાસી સંતો દ્વારા મંદિરમાંથી કરાવવામાં આવશે અને neasdentemple.org પરથી તેનું લાઇવ વેબકાસ્ટ કરવામાં આવશે.
મહાપૂજા એ ખૂબ જ વિશેષ, પ્રાચીન પવિત્ર વિધિ છે. તે શક્તિશાળી વૈદિક મંત્રોના જાપથી ભગવાનની આરાધના અને કૃતજ્ઞતાની ભાવનાઓ અને આદર સાથે ભક્તિ અર્પણ કરવામાં આવે છે. મહાપૂજા દરમ્યાન હજારો વર્ષ જુની વૈદિક પ્રાર્થનાઓ અને મંત્રોચ્ચારો કરવાથી વિશ્વમાં શુદ્ધતા, શાંતિ અને સુમેળ મળે છે. મહાપૂજા સહભાગીઓમાં માનસિક શાંતિ, ન્યાયી સમૃદ્ધિ અને પારિવારિક સંવાદિતા પણ લાવી શકે છે.
આ મહાપૂજાથી યુકે, યુરોપ અને બાકીના વિશ્વના હજારો લોકોને વૈશ્વિક કોવિડ-19 રોગચાળાથી પ્રભાવિત લોકો માટે પ્રાર્થના કરવાની તક પણ પૂરી પાડશે. પરિવારોને સમારોહમાં સંપૂર્ણ રીતે ભાગ લેવા માટે જરૂરી ચીજોવાળી સામગ્રીનો વિશેષ પેક તેમના ઘરે મોકલવામાં આવ્યા છે.
23મી ઓગસ્ટના રોજ એક મ્યુઝિકલ શ્રદ્ધાંજલિ અને સાંજે ભવ્ય અંતિમ કાર્યક્રમ સાથે વર્ષગાંઠની ઉજવણી સમાપ્ત થશે. આ અનન્ય, વૈશ્વિક અનુભવથી મંદિરના ઇતિહાસ અને નિર્માણનું અન્વેષણ થશે અને અસંખ્ય જીવન પર તેની સ્થાયી અસર થશે.