નેપાળના વિવાદમાં ઘેરાયેલા વડાપ્રધાન કે પી શર્મા ઓલીએ રવિવારે અચાનક કેબિનેટ મીટિંગ બોલાવીને સંસદ ભંગ કરવાનો નિર્ણય લીધો હતો. કે પી શર્મા ઓલી સવારે જ કેબિનેટની ભલામણને લઈને રાષ્ટ્રપતિ પાસે પહોંચ્યા હતા. પ્રેસિડન્ટે આ ભલામણનો સ્વીકાર કરીને સંસદનું વિસર્જન કર્યું હતું. કે પી શર્મા ઓલી અને ભૂતપૂર્વ વડાપ્રધાન પુષ્પ કમાલ દહાલ (પ્રચંડ) વચ્ચે સત્તાની લડાઈ વચ્ચે તેમણે અચાનક આવો નિર્ણય કર્યો હતો.
ઓલીની ભલામણના આધારે રાષ્ટ્રપતિ બિદ્યા દેવી ભંડારીએ સંસદના પ્રતિનિધિગૃહનો ભંગ કર્યો હતો અને એપ્રિલ-મે મહિનામાં ચૂંટણીની જાહેરાત કરી હતી. વિરોક્ષ પક્ષોએ આ હિલચાલને ગેરબંધારણીય ગણાવી હતી. રાષ્ટ્રપતિ ભવને જારી કરેલી નોટિસ મુજબ પ્રથમ તબક્કામાં 30 એપ્રિલ અને બીજા તબક્કામાં 10એ ચૂંટણી યોજાશે. 275 સભ્યોના પ્રતિનિધિગૃહની ચૂંટણી પાંચ વર્ષની મુદત માટે 2017માં થઈ હતી. તે નેપાળની સંસદનું નીચલું ગૃહ ગણાય છે.
અગાઉ નેપાળના ઉર્જાપ્રધાન બર્સમાન પુને જણાવ્યું હતું વડાપ્રધાન કે પી શર્મા ઓલી તરફથી બોલાવવામાં આવેલી એક તાત્કાલિક બેઠકમાં કેબિનેટે સંસદને ભંગ કરવાની ભલામણ કરી હતી. ભલામણને પ્રેસિડન્ટ પાસે મોકલવામાં આવી હતી. સત્તારૂઢ નેપાળ કમ્યુનિસ્ટ પાર્ટીએ કે પી શર્મા ઓલીના નિર્ણયનો વિરોધ કર્યો છે.