મેટ્રોપોલિટન પોલીસના એશિયન મૂળના ભૂતપૂર્વ આતંકવાદ વિરોધી વડા નીલ બસુએ પોલીસ દ્વારા કરાતી સ્ટોપ એન્ડ સર્ચની ટીકા કરતાં જણાવ્યું હતું કે ‘’હાલની તારીખે પણ પોલીસ અધિકારીઓ “નિયમિતપણે” નિશાન બનાવી મને રોકે છે અને મારી જડતી લે છે. આ રણનીતિ વંશીય લઘુમતી પૃષ્ઠભૂમિના લોકોમાં પોલીસ ફોર્સ પરના વિશ્વાસના પતન માટે જવાબદાર છે.’’
2022માં આસીસ્ટન્ટ પોલિસ કમિશ્નર પદેથી નિવૃત્ત થયેલા બાસુએ જણાવ્યું હતું કે ‘’પોલીસે ગુનાખોરી પર આકરા દેખાવા માટે આ યુક્તિનો ઉપયોગ કર્યો હતો પરંતુ હું માનું છું કે તેનો મોટાભાગનો ઉપયોગ ગેરકાનૂની છે. વંશીય લઘુમતીના લોકોના વિશ્વાસમાં ભંગાણ માટે સ્ટોપ એન્ડ સર્ચ જવાબદાર છે.’’
તેમણે કહ્યું હતું કે “મને પૂરો વિશ્વાસ છે કે છેલ્લા 30 વર્ષમાં હું એકમાત્ર એવો ચીફ કોન્સ્ટેબલ છું જેને નિયમિતપણે બાળક, કિશોર અને પુખ્ત વયના વ્યક્તિ તરીકે રોકવામાં આવ્યો છે અને જડતી લેવામાં આવી છે. બે અઠવાડિયા પહેલા હું હીથ્રોમાંથી પસાર થયો હતો ત્યારે પણ મારી તપાસ કરીઇ હતી. હું ખાતરી સાથે કહું છું કે જ્યારે હું શનિવારે ફરીથી જઇશ ત્યારે પણ મારી ફરી તપાસ કરવામાં આવશે. કારણ કે હું તે વ્યક્તિ છું જેણે આ માટેના નિયમો નક્કી કર્યા હતા.
નીલ બસુએ કહ્યું હતું કે “જડતી અપમાનજનક છે અને જો ચિફ કોન્સ્ટેબલને લાગે છે કે તે ઠીક છે તો તે કરવા માટેના કાયદેસર કારણો આપી શકે છે. આ યુક્તિ એક “મહત્વપૂર્ણ સાધન” છે અને ઘણી વાર “દુરુપયોગ અને વધુ પડતો ઉપયોગ” થતો હતો. પણ અમે લગભગ તેની શક્તિ ગુમાવી દીધી કારણ કે અમે તેનો દુરુપયોગ કરતા હતા; મૂળભૂત રીતે અમારી ઘણી બધી સ્ટોપ અને સર્ચ ગેરકાનૂની હતી.’’
કોલેજ ઓફ પોલીસિંગના ચીફ એક્ઝિક્યુટિવ એન્ડી માર્શે, સ્ટોપ એન્ડ સર્ચ અંગેના બસુના મંતવ્યોને નકારી કાઢતા કહ્યું હતું કે જો સંવેદનશીલતાથી તે કરવામાં આવે તો તેનાથી સમુદાયના સંબંધોને નુકસાન થતું નથી.
પણ હોમ ઑફિસના ડેટા અનુસાર, શ્વેત લોકો કરતાં વંશીય લઘુમતીઓને રોકીને તેમની તપાસ કરવામાં આવે તેવી શક્યતા વધુ હોય છે.
માર્ચ 2023ના વર્ષમાં, દર 1,000 શ્યામ લોકો દીઠ 24.5 લોકોને, 8.5 એશિયન લોકોની અને માત્ર 5.9 શ્વેત લોકોને રોકીને જડતી લેવાઇ હતી.