ભારતમાં 1 જાન્યુઆરી, 2023થી ચીન અને અન્ય પાંચ દેશોના પ્રવાસીઓ માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત રહેશે. ચીન ઉપરાંત અન્ય પાંચ દેશોમાં હોંગકોંગ, જાપાન, દક્ષિણ કોરિયા, સિંગાપોર અને થાઈલેન્ડનો સમાવેશ થાય છે. ચીનમાં કોરોનાના કેસોમાં અભૂતપૂર્વ વધારો થઇ રહ્યો છે. આનાથી ભારતમાં કોઈપણ સંભવિત સંક્રમણ ફેલાવાની ચિંતા વધી છે. જેને કારણે ભારતે આ પગલું ભર્યું છે.
આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ ટ્વિટર પર કહ્યું હતું કે, “1લી જાન્યુઆરી 2023થી ચીન, હોંગકોંગ, જાપાન, દક્ષિણ કોરિયા, સિંગાપોર અને થાઈલેન્ડથી આવનારા મુસાફરો માટે RT-PCR ટેસ્ટ ફરજિયાત કરવામાં આવ્યો છે. તેઓએ મુસાફરીના 72 કલાક પહેલા રિપોર્ટ કરાવવાનો રહેશે અને પોતાનો રિપોર્ટ એર સુવિધા પર અપલોડ કરવું આવશ્યક છે.
સરકારે COVID-19-સંબંધિત માર્ગદર્શિકા આકરી બનાવી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે છેલ્લા બે દિવસમાં દેશમાં આવનારા લોકો પર કરવામાં આવેલા 6,000 પરીક્ષણોમાંથી 39 આંતરરાષ્ટ્રીય મુસાફરો કોવિડ -19 માટે પોઝિટિવ જાહેર થયા હતા.
સરકારે પહેલેથી જ એલર્ટ જારી કરી દીધું છે અને રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોઈપણ પરિસ્થિતિ માટે તૈયાર રહેવા કહ્યું છે. ઉછાળાને પગલે, સરકારે શનિવારથી દરેક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં આવતા 2 ટકા મુસાફરો માટે રેન્ડમ કોરોના વાયરસ પરીક્ષણ ફરજિયાત બનાવ્યું છે.
કોવિડ-19 સંક્રમણમાં કોઈપણ ઉછાળાને પહોંચી વળવા માટે તેમની કાર્યકારી તૈયારી ચકાસવા માટે મંગળવારે ભારતભરની આરોગ્ય સુવિધાઓ પર મોક ડ્રીલ હાથ ધરવામાં આવી હતી, જેમાં માંડવિયાએ કહ્યું હતું કે વિશ્વમાં કેસ વધી રહ્યા છે ત્યારે દેશને સાવચેત અને તૈયાર રહેવાની જરૂર છે. નવા કેસોમાં ઓમિક્રોન સબ-વેરિઅન્ટ BF.7 દેખાઇ રહ્યો છે.
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (IISER), પુણેના સહાયક ફેકલ્ટી સત્યજિત રથે જણાવ્યું હતું કે, ભારતની પરિસ્થિતિ તદ્દન અલગ છે, જેમાં રસીકરણ ઉપરાંત વ્યાપક વાસ્તવિક સંક્રમણ છે. અને કોવિડ વાયરસ આખરે ફેલાઈ રહ્યો છે અને તેથી માત્ર ચીનમાં જ નહીં, વિશ્વભરના સમુદાયોમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. નવા વેરિયન્ટ દરેક દેશોમાં ફેલાઇ રહ્યા છે. છેલ્લા કેટલાક અઠવાડિયામાં ચીનમાં દરરોજ હજારો કેસ નોંધાઈ રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે બુધવારે ભારતમાં કોરોનાના 188 નવા કેસ નોંધાયા છે જેમાં દૈનિક પોઝિટિવિટી દર 0.14 ટકા અને સાપ્તાહિક પોઝિટિવિટી દર 0.18 ટકા રહ્યો છે.