2016માં નીરજે જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ જીતીને ઈતિહાસ રચ્યો હતો. ત્યારબાદ એથ્લેટિક્સમાં આવું કરનાર તે પ્રથમ ભારતીય બન્યો. 7 વર્ષ પછી નીરજે ફરી આ સિદ્ધિ હાંસલ કરી હતી. નીરજે સિનિયર લેવલે દરેક મોટી ગેમ્સ અને ચેમ્પિયનશિપનો ખિતાબ જીતી પોતાનું નામ ઈતિહાસમાં કાયમ માટે અંકિત કર્યું છે.
ફાઇનલમાં નીરજ ચોપરાની શરૂઆત સારી રહી નહોતી અને પહેલો થ્રો ફાઉલ થયો હતો. આ રીતે, પ્રથમ પ્રયાસ બાદ કુલ 12 ફાઇનલિસ્ટમાં નીરજ છેલ્લા સ્થાને હતો. ફાઉલ કર્યો હોય તેવો તે એકમાત્ર થ્રોઅર હતો. તેમ છતાં, નીરજ નિરાશ ન થયો અને નીરજે બીજા જ પ્રયાસમાં જબરદસ્ત પુનરાગમન કર્યું. નીરજના બીજા થ્રોમાં ભાલો 88.17 મીટરના અંતરે જઈને પડ્યો અને આ સાથે નીરજે પ્રથમ સ્થાન મેળવ્યું હતું. નીરજની આ લીડ ત્રીજા પ્રયાસ પછી પણ ચાલુ રહી અને 86.32 મીટર ફેંકવા છતાં તે પ્રથમ હાફમાં પ્રથમ સ્થાને રહ્યો. પાકિસ્તાનના અરશદ નદીમે પણ ધીમી શરૂઆત પછી વાપસી કરી હતી. અરશદનો પહેલો થ્રો 74.80 અને બીજો 82.81 મીટર હતો. નદીમે ત્રીજા થ્રોમાં ફરીથી 87.82 મીટરનું અંતર હાંસલ કર્યું અને નીરજ પછી બીજું સ્થાન પણ મેળવ્યું
વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિનશિપમાં જેવેલિન થ્રો સ્પર્ધામાં ભારતનું નામ રોશન કરવા બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નીરજ ચોપડાને શુભેચ્છા પાઠવતાં એક્સ પર ટ્વિટ કરી હતી.