કાનૂની વ્યવસાયમાં લગભગ 20 વર્ષનો અનુભવ ધરાવતા નીલાશ મહેતાની સોલિસિટર તરીકેની માન્યતા તથ્યોની ખોટી રજૂઆત અને આચાર સંહિતાનો ભંગ કરવા બદલ રદ કરાઇ છે અને તેમને £27,000 ખર્ચ ચૂકવવાનો આદેશ આપ્યો છે. નીલાશ મહેતાને નશો કરીને ડ્રાઇવિંગ કરવા માટે દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને પાછળથી તેણે એક ફર્મ સાથે નોકરીનો કરાર કરતી વખતે તે છુપાવ્યું હતું.
2016માં વધુ દારૂ પીને વાહન ચલાવવા બદલ એક વર્ષ માટે ડ્રાઇવિંગ કરવા પર પ્રતિબંધ મૂકાયો હતો. મહેતાએ બે વર્ષ પછી તેનું પુનરાવર્તન કરતા તેમને ફરીથી 40 મહિના માટે ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા.
ઑક્ટોબર 2018 અને સપ્ટેમ્બર 2019ની વચ્ચે ઓછામાં ઓછા ચાર પ્રસંગોએ તેણે પોતાનું વાહન ચલાવ્યું હતું એમ સોલિસિટર ડિસિપ્લિનરી ટ્રિબ્યુનલમાં જણાવાયું હતું. તેણે તેના એમ્પ્લોયર એશફોર્ડ્સ સમક્ષ બે વાર જાહેર કર્યું હતું કે કુલ £63.9ના ખર્ચનો દાવો કરવા માટે તેની પાસે માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ છે.