લંડનના બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા મંદિરની બાજુમાં બ્રેન્ટફિલ્ડ રોડ પરની સ્વામિનારાયણ સ્કૂલ ખાતે શરૂ કરેલ નીસ્ડન ટેમ્પલ વેક્સીનેશન સેન્ટરે 80,000 લોકોને રસી આપી છે.
કેન્દ્ર દ્વારા 2 ફેબ્રુઆરી 2021ના રોજથી જી.પી.ની આગેવાની હેઠળની સંસ્થા, કે એન્ડ ડબલ્યુ હેલ્થકેરના સથવારે રસીકરણ કરાવવાનું શરૂ થયું હતું. શુભારંભ પછી 50,000થી વધુ સ્થાનિક રહેવાસીઓને તેમની પ્રથમ અથવા બંને રસી આપવામાં આવી છે.
મંદિરે સરકારના રસીકરણને ટેકો આપવા માટે પોતાની જગ્યા વિના મૂલ્યે ઓફર કરી છે. રસીકરણ પરિસરમાં બાર પોડ ઉપર રસી આપવાની સગવડ છે, જ્યાં રોજના 1,200 લોકોને રસી આપી શકાય છે. સરકારના રસીકરણના લક્ષ્યોને ટેકો આપવા માટે નક્કી કરાયેલા શનિવારે કેન્દ્ર ચાલુ રહે છે.
મંદિરે જૂન 2020થી કોવિડ-19 એન્ટિજેન ટેસ્ટ માટે કાર પાર્કની સુવિધા પૂરી પાડી છે, જ્યાં આર્મી દ્વારા મે 2021 સુધીમાં લગભગ 19,000 ટેસ્ટ કરાયા છે. આ ઉપરાંત એક મોબાઇલ ક્લિનિકલ કોવિડ ટેસ્ટીંગ લેબોરેટરી પણ ડિસેમ્બર 2020થી મંદિરમાં કાર્યરત છે.
3 ફેબ્રુઆરીના રોજ મંદિરના કેન્દ્રની મુલાકાતે આવેલા હોમ સેક્રેટરી પ્રીતિ પટેલે આ સેવા કામગીરી જોઇ આનંદ વ્યક્ત કર્યો હતો.
મંદિરના ટ્રસ્ટી અને પ્રેક્ટિસિંગ જી.પી. ડૉ. મયંક શાહે કહ્યું હતું કે, “મહંત સ્વામી મહારાજે કોવિડ-19 રોગચાળા સામે દેશની લડતને ટેકો આપવા અમને પ્રેરણા અને શક્તિ આપી છે. અમે રસીકરણ અભિયાન અને ટેસ્ટીંગ ડ્રાઇવને ઉત્તેજન આપી કોરોનાવાયરસના ફેલાવાને ધીમો કરવા માટે અમને ભૂમિકા ભજવવાની તક મળી તે માટે અમે નમ્ર છીએ.”