(ANI Photo)
પાંચમાં તબક્કાની ચૂંટણી પછી કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે દાવો કર્યો હતો કે ચૂંટણીના પાંચમા તબક્કા પછી એનડીએને 310 બેઠકો મળી ચુકી છે અને હવેની લડાઈ 400 પાર કરવાની છે. ઓડિશામાં ચૂંટણી સભા સંબોધતા ગૃહમંત્રીએ રાજ્યને “બાબુ-રાજ”માંથી મુક્ત કરવા તથા કેન્દ્ર અને રાજ્યમાં પણ ભાજપને સરકાર બનાવવાની લોકોને અપીલ કરી હતી.
ઓડિસાના સંબલપુરમાં બે ચૂંટણી રેલીઓને સંબોધતા અમિત શાહે જણાવ્યું હતું કે આ વખતે ઓડિશામાં કમળ ખીલશે. ઓડિશા પર મુઠ્ઠીભર અધિકારીઓ શાસન કરતાં હોવાનો આક્ષેપ કરતાં તેમણે જણાવ્યું હતું કે આ ચૂંટણી રાજ્યમાં બાબુ રાજનો અંત લાવશે. દેશની મોટાભાગની ખાણો અને ખનિજ ભંડાર કેઓંઝર જિલ્લામાં હોવા છતાં કેઓંઝરના આદિવાસીઓને તેનો કોઈ લાભ મળતો નથી.
મોદીએ સમગ્ર દેશમાં આતંકવાદ નેસ્તનાબૂદ કર્યો હોવાનો દાવો કરીને કેન્દ્રીય ગૃહ પ્રધાને જણાવ્યું હતું કે PoK (પાકિસ્તાન અધિકૃત કાશ્મીર) ભારત સાથે હતું અને તે આપણી સાથે રહેશે. ભારત PoKનો કબજો લેશે. મોદીએ પાકિસ્તાનની આતંકવાદી ગતિવિધિઓનો યોગ્ય જવાબ આપ્યો છે અને તેઓ કોંગ્રેસના નેતાઓની જેમ પરમાણુ બોમ્બના જોખમથી ડરતા નથી.
બીજેડી સરકાર પર ઓડિશાના ગૌરવ, ભાષા, સંસ્કૃતિ અને પરંપરાનું અપમાન કરવાનો આક્ષેપ કરીને અમિત શાહે જણાવ્યું હતું કે જો ભાજપ રાજ્યમાં સત્તા પર આવશે તો ભાજપ યુવા, ઉર્જાવાન મહેનતુ અને ગતિશીલ ઓડિયા ‘ભૂમિપુત્ર’ને મુખ્યમંત્રી તરીકે આપશે. ભાજપની નવી સરકાર દોઢ વર્ષમાં બે લાખ લોકોને નોકરી આપશે. નવીન બાબુ ઓડિશા પર ‘બાબુ શાહી’ લાદી રહ્યાં છે તથા ઓડિસાના લોકોના ગૌરવ પર હુમલો કરી રહ્યા છે. તે રાજ્યની સંસ્કૃતિ અને ગૌરવનું ગળું દબાવી રહ્યો છે.

LEAVE A REPLY