ચૂંટણીની જાહેરાત પછી ‘ફિર એક બાર મોદી સરકાર’ હેશટેગ સાથે વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે “લોકશાહીનો સૌથી મોટો તહેવાર આવી ગયો છે! ECએ 2024ની લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે. અમે BJP-NDA ચૂંટણી માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. તેમના ત્રીજા કાર્યકાળમાં ગરીબી અને ભ્રષ્ટાચાર સામેની લડાઈ વધુ ઝડપી ગતિએ ચાલશે અને સામાજિક ન્યાય પર ભાર મૂકવામાં આવશે. ત્રીજી ટર્મમાં ઘણું કામ કરવાનું છે.
તમામ મતદાતાઓને મતદાન કરવાની અપીલ કરતાં ગૃહપ્રધાન અમિત શાહે જણાવ્યું હતું કે દેશ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સુશાસન, સુરક્ષા, તમામ વર્ગોના કલ્યાણના ઐતિહાસિક દાયકાનો સાક્ષી છે. દરેક મતદાતાએ એવા નેતૃત્વને મત આપવો જોઇએ કે જેઓ કામ કરવાનો ટ્રેક રેકોર્ડ ધરાવે છે અને ભારતને વિકસિત બનાવવાનું વિઝન ધરાવે છે. તેમણે દેશના યુવાનો, મહિલાઓ અને તમામ મતદારોને લોકશાહીના આ મહાન પર્વમાં ભાગ લઇને ભાજપની આગેવાની હેઠળના NDAને ચૂંટવા માટે અપીલ કરી હતી.
બીજી તરફ લોકસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત પછી તરત જ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે લોકશાહી અને આપણા બંધારણને સરમુખત્યારશાહીથી બચાવવાની આ કદાચ આ છેલ્લી તક છે. 2024ની લોકસભાની ચૂંટણીઓ ભારત માટે ‘ન્યાયનો દરવાજો’ ખોલશે. અમે ભારતના લોકો સાથે મળીને નફરત, લૂંટ, બેરોજગારી, મોંઘવારી અને અત્યાચાર સામે લડીશું. ‘હાથ બદલેગા હાલાત’