ભારત સરકારે મંગળવાર 18 ઓક્ટોબરે 2023-24ની માર્કેટિંગ સીઝન માટે ઘઉં, ચણા, મસૂર, રાયડો અને સરસવ સહિત છ રવિ પાક માટે ટેકાના લઘુત્તમ ભાવ (MSP)માં પ્રતિ ક્વિન્ટલ રૂ.100થી લઇને રૂ.500નો વધારો કર્યો છે.
કેન્દ્ર સરકારે કિસાન સન્માન નિધિનો 12મો હપ્તો ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા ખેડૂતોના ખાતામાં જારી કર્યાના એક દિવસ બાદ મંગળવારે કેન્દ્રીય કેબિનેટે આ નિર્ણય લીધો હતો.
કેબિનેટની બેઠક બાદ માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે મીડિયાને જણાવ્યું હતું કે મસૂરની એમએસપીમાં પ્રતિ
ક્વિન્ટલ રૂ.500નો વધારો કરાયો છે, જ્યારે રાયડો અને સરસવના ટેકાના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ રૂ.400નો વધારો કરવામાં આવ્યો છે. ઘઉંના એમએસપીમાં પ્રતિ ક્વિન્ટલ રૂ.110, સનફ્લાવરમાં રૂ.209, ચણામાં રૂ.105 અને જવના એમએસપીમાં રૂ.100નો વધારો કરવામાં આવ્યો છે.
એમએસપી સિસ્ટમ હેઠળ સરકાર કૃષિ પેદાશોની લઘુત્તમ કિંમત નક્કી કરે છે.અમુક પાકની કિંમતો ઘટે તો પણ કેન્દ્ર સરકાર ખેડૂતો પાસેથી એમએસપી પર ખરીદે છે, જેથી તેઓને નુકસાનથી બચાવી શકાય.